(એજન્સી) જેરૂસલેમ, તા.પ
સીઆઈએના ડાયરેક્ટર માઈક પોમ્પીઓએ કહ્યું છે કે, ત્રાસવાદ સામે લડત માટે ઈઝરાયેલ દ્વારા સઉદી અરેબિયા અને અરબ દેશો સાથે સીધી કામગીરી ચાલી રહી છે. તેમ જેરૂસલેમ પોસ્ટના એક અહેવાલમાં જણાવાયું છે. કેલિફોર્નિયામાં રીગન નેશનલ ડીફેન્સ ફોરમની બેઠકમાં આ વાતનો ઉલ્લેખ કરાયો હતો. બેઠકમાં ડાયરેક્ટર માઈકે કહ્યું હતું કે, ઈરાન ફક્ત અમેરિકા માટે ખતરો વધારતું નથી, પરંતુ સમગ્ર પ્રદેશના દેશોમાં પણ વધારી રહ્યું છે. જે પડકાર રૂપ પરિબળ સાબિત થઈ રહ્યું છે. સઉદી અરેબિયા સાથે મળી ઈઝરાયેલ ત્રાસવાદ નાબૂદી માટે કામ કરી રહ્યું હોવાનું જોવા મળે છે. સમગ્ર મધ્ય-પૂર્વમાં આ પહેલને અમે એક સંબંધો તરીકે વિકસાવી. તેમની બાજુએ કામ કરવા તૈયાર છીએ. જેથી મધ્ય-પૂર્વના દેશોમાં વધુ સુરક્ષાની લાગણી પેદા થશે.
પૂર્વ સીઆઈએ ડિરેક્ટર, પૂર્વ રક્ષા સચિવ લિઓન પેનીટા પણ આ બેઠકમાં એક વક્તા હતા. તેમણે અરબ દેશોને ઈઝરાયેલ અમેરિકા, તુર્કી સાથે મળી ગઠબંધન બનાવી સંયુક્ત સૈન્ય ઓપરેશન સેન્ટર ઊભું કરવા આહ્‌વાન કર્યું હતું.
તેમણે કહ્યું કે મીડલ ઈસ્ટમાં દાઈશના આતંકવાદ અને ઈરાનની ધમકીઓ સામે નિષ્ફળતાના પગલે આવા પડકારોનો સામનો કરવા માટે મજબૂત ગઠબંધનની જરૂર છે. જે ત્રાસવાદીઓને નિશાન બનાવી આ વિસ્તારમાં ખતરો ઓછો કરી સ્થિરતા લાવશે. દરમ્યાન સઉદી અરેબિયા અને ઈઝરાયેલ વચ્ચે વધતા જતા સંબંધો અંગેની અટકળો બાબતે બોલતા ઈઝરાયેલના ઊર્જામંત્રી યુવાલ સ્ટીનીઝે કબૂલ કર્યું હતું કે, તેલ-અવીવે સઉદી અરેબિયા સાથે ઈરાન અંગેની સંયુક્ત ચિંતા માટે સંપર્ક વધાર્યો છે.
ઈઝરાયેલની સેનાના પ્રમુખ ગાદી ઈસેનકોટે આ પગલાંને ઈઝરાયેલ અને સઉદી વચ્ચેના સંબંધો વધારનાર ગણાવ્યું હતું. તેમ સઉદી ન્યૂઝ એજન્સીએ ઈઝરાયેલ સેના પ્રમુખની મુલાકાતને ટાંકીને જણાવ્યું હતું. અગાઉ સઉદીએ આવા અહેવાલોને ભૂતકાળમાં નકાર્યા હતા. ઈઝરાયેલ દ્વારા અરબોની ભૂમિ ખાલી કર્યા પછી જ સંબંધો અંગે વિચારી શકાય. તેમ સઉદી અધિકારીએ જણાવ્યું હતું. તેમ છતાં ઈઝરાયેલ-સઉદી વચ્ચે અમેરિકાના પીઠબળથી શાંતિ યોજના આગામી વર્ષે જાહેર થાય તેમ છે.