(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૭
આગામી ૧ ઓગસ્ટના રોજ ઈદ-ઉલ-અઝહાનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે ત્યારે ગૌરક્ષકોના નામે તોડપાણી કરતા કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઘેટાં બકરાં ભરી વેચવા આવતી ટ્રકોને ઉભી રાખી ભેંસના મીટને ગૌમાંસ બતાવી તોડબાજી તથા ખોટા કેસની દહેશત બતાવી હેરાન કરતા હોવાથી આવા તત્વો સામે કડક પગલાં લેવા રાજયભરની પોલીસને સૂચના આપવામાં આવી છે. ગૌરક્ષકો અને જીવદયાના નામે અસામાજિક તત્ત્વો હાઈવે પર ઊભા રહી ઘેટાં-બકરા કે કાયદા મુજબના માન્ય કાયદેસરના પશુઓની હેરાફેરી કરતા વાહનોને પણ રોકી તોડપાણી કરતા હોવાની અવાર-નવાર ફરિયાદો ઉઠતી રહે છે. આથી સીઆઈડી ક્રાઈમ દ્વારા આવી પ્રવૃત્તિ કરનારાઓ વિરૂદ્ધ પૂરતી તકેદારી રાખવા અને જરૂરી કડક પગલાં લેવા રાજ્યભરની પોલીસને વિનંતી કરવામાં આવી છે. સીઆઈડી ક્રાઈમના અધિક પોલીસ મહાનિર્દેશક ડૉ. શમશેરસિંઘે રાજ્યના તમામ પોલીસ કમિશનરો, પોલીસ અધિક્ષકો, નાયબ પોલીસ અધિક્ષકો, સીઆઈડી ક્રાઈમ સહિત લાગતા-વળગતા તમામ પોલીસ સ્ટેશનોને એક પત્ર પાઠવી જણાવ્યું છે કે, આગામી સમયમાં ઈદ-ઉલ-અઝહાનો તહેવાર આવી રહ્યો છે. ઈદ જેવા ધાર્મિક તહેવારમાં ગૌરક્ષકના નામે અને કેટલાક અસામાજિક તત્ત્વો દ્વારા નેશનલ હાઈવે પર ઘેટાં-બકરા ભરી વેચવા આવતી ટ્રકોને ઊભી રાખી ભેંસના મીટને ગૌમાંસ બતાવી તોડબાજી કરવા તથા ખોટા પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હેરાન-પરેશાન કરવામાં આવે છે. આથી આવા અસામાજિક તત્ત્વો દ્વારા ટ્રકોને ખોટી રીતે રોકી હેરાન-પરેશાન કરવામાં ન આવે તે જોવા તથા બનાવને અનુરૂપ કાયદાકીય જોગવાઈઓનો ઉપયોગ કરી આવી પ્રવૃત્તિ કરનારાઓ વિરૂદ્ધ પૂરતી તકેદારી તથા જરૂરી કડક પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે.