અમદાવાદ,તા. ૨૪
ગુજરાતભરમાં ખળભળાટ મચાવનારા બિટકોઇન કેસમાં અમરેલીના આરોપી એસપી જગદીશ પટેલને સીઆઇડી ક્રાઇમે આજે સ્પેશ્યલ એસીબી કોર્ટ સમક્ષ રજૂ કરી ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે રિમાન્ડ અરજીના કારણો ધ્યાનમાં લઇ આરોપી એસપી જગદીશ પટેલના તા.૧લી મે સુધીના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપી એસપી જગદીશ પટેલના છ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર થતાં રાજ્યભરના પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ હતી. સીઆઇડી ક્રાઇમના અધિકારીઓએ આજે અમરેલી એસપી જગદીશ પટેલને આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સ્પેશ્યલ એસીબી કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાં સરકારપક્ષ તરફથી મુખ્ય સરકારી વકીલ રિમાન્ડ અરજીના કારણો વર્ણવતાં જણાવ્યું હતું કે, આ કેસમાં અગાઉ પકડાયેલાઅને હાલ રિમાન્ડ પર એવા આરોપી પીઆઇ અનંત પટેલે બિટકોઇન કેસમાં તેમણે સમગ્ર ગુનાહિત કૃત્ય એસપી જગદીશ પટેલની સૂચના અને મંજૂરીથી આચર્યુ હોવાનું જણાવે છે, જયારે એસપી જગદીશ પટેલ તેનાથી વિરોધાભાસી નિવેદન આપે છે, તેથી બંનેને સાથે રાખીને તપાસ કરવી જરૂરી છે. આરોપી એસપી જગદીશ પટેલની મંજૂરી વિના જિલ્લાની હદ બહાર ત્રણ સરકારી વાહન, ૧૦ પોલીસ કર્મચારીઓ કયા કારણસર જઇ શકે તે હકીકતની તપાસ કરવાની છે. ફરિયાદી શૈલેષ ભટ્ટના આક્ષેપ અનુસાર તેમનું અપહરણ કરી તેમને મગોડી કેશવ ફાર્મ ખાતે લઇ જવાયા હતા અને તેમની પાસેથી ૧૭૬ બિટકોઇન પડાવી લેવાયા હતા તો તે બિટકોઇન કયા વોલેટમાં ગયા છે તેની તપાસ કરવાની છે. આ સમગ્ર પ્રકરણમાં છ પોલીસ કર્મચારીઓ હવાઇ માર્ગે મુંબઇ ગયા હોવાનું તપાસમાં ખૂલ્યું છે તો કેવા અગત્યના કારણોસર તેઓને હવાઇ મુસાફરી કરવી પડી તે અંગે એસપી જગદીશ પટેલ અને પીઆઇ અનંત પટેલને સાથે રાખી પૂછપરછ કરવાની છે. આ સમગ્ર પ્રકરણમાં આરોપીઓને કોણે કોણે મદદગારી કરી અને સમગ્ર કાંડ પાછળનો આશય શું હતો તે એસપી જગદીશ પટેલ પાસેથી જાણવાનું છે. આરોપી એસપી જગદીશ પટેલે ગત તા.૬-૪-૨૦૧૮ના રોજ અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર રાત્રે સાડા આઠ વાગ્યે આશરે રૂ.૪૦ લાખ જેટલી માતબર રકમ પીઆઇ અનંત પટેલને અને અન્ય પોલીસવાળાને કોર્ટ કેસ તથા અન્ય ખર્ચાઓ માટે વહેંચવા આપી હતી તો આ રકમ કયાંથી આવી અને તેને લઇ કાવતરાને અંજામ આપવામાં ઉપયોગ થયો હતો કે કેમ તે સહિતની તમામ સંવેદનશીલ બાબતો અંગે એસપી જગદીશ પટેલની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશનની જરૂર હોઇ કોર્ટે તેમના પૂરતા દિવસના રિમાન્ડ મંજૂર કરવા જોઇએ. સરકારપક્ષની આ રજૂઆત ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી એસપી જગદીશ પટેલના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.