(સંવાદદાતા દ્વારા) કોડીનાર,તા.૧૯
કોડીનાર તાલુકા અને ગીર અભ્યારણમાં છેલ્લા ઘણા સમયથી ખાણ માફિયાઓ દ્વારા તંત્રની મિલીભગતથી બેફામ પથ્થરોની ખાણો ધમધમી રહી છે અને તંત્ર આવી ખાણો વિરૂદ્ધ આંખ આડા કાન કરી કોઈ નક્કર કાર્યવાહી કરતું ન હોય તેમ કોડીનાર પોલીસે ખાણ ખનીજ વિભાગના કામનું બિડું ઝડપ્યું છે. છેલ્લા પાંચ દિવસમાં ખાણમાફિયાઓ વિરૂદ્ધ ફરીથી સર્જીકલ સ્ટ્રાઈક કરી બીજી ખણ પકડી પાડી પાંચ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.
આ અંગેની વિગત મુજબ ઘાંટવાડ ગામે સર્વેનં ૪ર૩ની જમીનમાં બિનકાયદેસર પથ્થરની ખાણ ચાલી રહી હોવાની બાતમીના આધારે કોડીનાર પોલીસે ઘાંટવડ ગામની સીમમાં આંબલીધાર નામે ઓળખાતી સીમમાં જઈ તપાસ કરતાં અભેસિંગ રાણાભાઈ ઝાલા પોતાની સર્વે નં.૪ર૩ની ખેતીની જમીનમાં હરેશ કરસન પિઠિયા, ભરત કરસન પિઠિયા, પ્રવિણ માલદે ભોપાળા અને ભરત કાના બારૈયા સાથે ભાગીદારી કરી પોતાની જમીનમાં ગેરકાયદેસર ખોદકામ કરી પથ્થરો કાઢી વેચાણ કરી રહ્યા હોય પોલીસે ખાણના સ્થળેથી પથ્થર કાપવાની ૩ ચકરડી અને ૧ જનરેટર સહિત કુલ રૂા.ર,રપ,૦૦૦નો મુદ્દામાલ કબજે લઈ ઉપરોક્ત પાંચેય શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધી. આ અંગે ભૂસ્તરશાસ્ત્રીને રિપોર્ટ કરી પંચરોજ કામ કરી કેટલા રૂા.ની ખનીજચોરી કરી છે તેના અભિપ્રાય આપવા જણાવ્યું છે. કોડીનારમાં પોલીસ તંત્ર ખાણ માફિયાઓ ઉપર સતત ધોંસ બોલાવી રહી હોય ખાણમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.