(સંવાદદાતા દ્વારા)
મહેસાણા,તા.૧૪
મહેસાણા શહેર અને જિલ્લામાં આજે આકાશી યુદ્ધ સમાન ઉતરાયણના તહેવારની પરંપરાગત રીતે લોકોએ ઊજવણી કરી હતી. વહેલી સવારથી જ પતંગના શોખીનો પોતાના ધાબા પર ચઢી ગયા હતા. દિવસભર એ કાપ્યો છે અને પકડ પકડના અવાજો ગુજયા હતા. જોકે મહેસાણા શહેરના કસ્બા વિસ્તારમાં એક આઠ વર્ષના માસુમ બાળકનું દોરીથી ગળું કપાતાં તેનાં મોતથી અરેરાટી વ્યાપી ગઇ હતી.
ઉતરાયણના દિવસે મહેસાણા, વિજાપુર, કડી, વિસનગર, ખેરાલુ, વડનગર, ઊંઝા, બેચરાજી સહિત જિલ્લાભરમાં પતંગ ચગાવવાના શોખીનો ધાબે ચડી ગયા હતા અને પતંગ ચગાવવાની મોજ માણી હતી. તેમજ ચટાકેદાર ઊધીયુ અને ફાફડા અને જલેબીની જયાફત ઊડાવી હતી. લોકોએ ડીજે ગોઠવી દીધાં હોવાથી ઠેકઠેકાણે સંગીતના તાલે પતંગ રસીયાઓએ પતંગના પેચ લડાવી આનંદ મેળવ્યો હતો. હવામાન પણ અનુકૂળ રહેતા પતંગ ચગાવવાની મોજ બેવડાઇ ગઇ હતી. જોકે, મહેસાણા શહેરમાં આવેલા કસ્બાના લવાર ચકલાંમાં રહેતા એક પરિવારનો આઠ વર્ષનો સૈજીબ ફિરોઝખાન પઠાણ બજારમાં કપડાં ધોવાનો ડિટરજન્ટ પાવડર લેવા ગયો ત્યારે માર્ગમાં પતંગની દોરીથી તેના ગળાની નશ કપાઈ જતા માસુમ બાળકનું કરુણ મોત થયું હતું. આ ઘટનાને પગલે મહેસાણા શહેરમાં શોકની લાગણી ફેલાઈ જવાપામી હતી. મૃતક બાળકને પોસ્ટમાર્ટમ માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જયાં પરિવાર સહિત લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. મરનાર બાળકની માતાએ કરેલા આક્રદથી સૌની આંખો ભીંજાઇ ગઈ હતી.