અમદાવાદ, તા.૧૪
અમદાવાદ શહેરમાં ગત માસમા ભારે વરસાદ બાદ હવે રોગચાળાની પરિસ્થિતિ વકરતી જોવા મળી રહી છે.આ માસની શરૂઆતથી ૧૨ દિવસની અંદર મચ્છરજન્ય એવા મેલેરીયા અને ઝેરી મેલેરીયાના કુલ મળીને ૭૫૩ જેટલા કેસ નોંધાવા પામતા મ્યુનિસિપલ તંત્રની નિષ્ફળતા છતી થવા પામી છે.અમદાવાદમાં મચ્છરજન્ય રોગની સાથે પાણીજન્ય એવા ઝાડા ઉલ્ટીના પણ ૧૨ દિવસમાં ૪૯૪ કેસ નોંધાવા પામ્યા છે.આ અંગે મળતી માહિતી અનુસાર,અમદાવાદ શહેરમાં જુલાઈ માસમાં પડેલા ભારે વરસાદ બાદ રોગચાળાની પરિસ્થિતિ કાબૂ બહાર જઈ રહેલી જોવા મળી રહી છે.એક તરફ મ્યુનિસિપલ તંત્ર દ્વારા રોજેરોજ કાર્યવાહી કરવામા આવી રહી હોવાના દાવા કરવામા આવી રહ્યા છે ત્યાં બીજી તરફ શહેરના અનેક વિસ્તારો હજુ આજે પણ એવા છે કે જ્યાં વરસાદના એકાદ ઝાપટાની અંદર પણ વરસાદી પાણી ખાબોચીયામા ભરાઈ જવા પામે છે આ કારણથી જે તે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે.મચ્છરોનો ઉપદ્રવ વધવાની સાથે લોકો મોટી સંખ્યામાં વિવિધ રોગના શિકાર બની રહ્યા છે. મ્યુનિસિપલ હેલ્થ વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર,આ માસની શરૂઆતથી ૧૨ દિવસની અંદર શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ મળીને મેલેરીયાના ૬૬૧ જેટલા કેસ નોંધાવા પામ્યા છે આ સાથે જ ઝેરી મેલેરીયાના કુલ મળીને ૯૨ કેસ માત્ર ૧૨ દિવસમાં નોંધાવા પામ્યા છે આમ કુલ મળીને ૧૨ દિવસમાં મેલેરીયા અને ઝેરી મેલેરીયાના ૭૫૩ જેટલા કેસ નોંધાઈ ગયા છે.આ સાથે જ શહેરમાં મચ્છરજન્ય એવા ડેન્ગ્યુના ૧૨ દિવસમાં કુલ ૩૭ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.જ્યારે ચીકનગુનીયાના બે કેસ નોંધાવા પામ્યા છે.
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા છ માસથી પણ વધુના સમયથી પ્રદૂષિત પાણી આવવાની ફરીયાદો વધી રહી છે જેનુ તંત્ર દ્વારા સમયસર નિરાકરણ લાવવામા ન આવતુ હોવાના કારણે ૧૨ દિવસમાં ઝાડા-ઉલ્ટીના કુલ મળીને ૪૯૪ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.આ ઉપરાંત ટાઈફોઈડના ૧૨ દિવસમાં ૧૨૨ કેસ નોંધાવા પામ્યા છે.જયારે કમળાના કુલ ૮૪ કેસ નોંધાવા પામ્યા છે.આ આંકમાં જો શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ખાનગી તબીબોના દવાખાના અને હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા ઉમેરવામા આવે તો આ આંક હજુ વધુ મોટો થઈ શકે છે.શહેરમાં રોગચાળાને નિયંત્રણમાં લેવામા મ્યુનિસિપલ તંત્ર નિષ્ફળ પુરવાર થવા પામ્યું છે.
કયાં રોગના કેટલા કેસો નોંધાયા ?
મચ્છરજન્ય કેસો
વિગત ૨૦૧૬ ૨૦૧૭
સાદા મેલેરીયાના કેસો ૧૦૦૯૪ ૫૧૫૬
ઝેરી મેલેરીયાના કેસો ૧૯૫૦ ૨૮૩
ચીકુનગુનિયા કેસો ૪૪૭ ૧૬૧
ડેન્ગ્યુના કેસો ૨૮૫૨ ૨૫૮
પાણીજન્ય કેસો
ઝાડા ઉલ્ટીના કેસો ૮૭૪૭ ૬૯૫૯
કમળો ૨૮૯૪ ૧૨૯૯
ટાઈફોઈડ ૩૦૧૬ ૧૭૩૫
કોલેરા ૧૦૨ ૭૦