અમદાવાદ, તા.૧૭
અમદાવાદ શહેરમાં દિન-પ્રતિદિન વધતી જતી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે વર્ષ અગાઉ બજેટમાં શહેરમાં ૫,૦૦૦ જેટલા સ્થળોએ પાર્કીંગ તરીકે વિકસાવવાની જાહેરાત હજુ સુધી માત્ર બજેટના કાગળ ઉપર જ રહેવા પામી છે.આ સાથે ૨૦૦ જેટલી મહિલાઓને માર્શલ તરીકે તાલિમ આપીને તેમને મોખરાના ટ્રાફિક જંકશન ઉપર ફરજ બજાવવા મુકવાની વાત પણ શકય બની નથી.આ અંગેની વિગત એવી છે કે,વર્ષ-૨૦૧૪-૧૫માં એ સમયના શહેરના મ્યુનિસિપલ કમિશનર ગુરૂપ્રસાદ મહપાત્રાએ શહેરમાં અલગ અલગ સ્થળોનો એસ્ટેટ ઓફિસરો પાસે સર્વે કરાવ્યો હતો.આ પાછળનો હેતુ એ હતો કે,શહેરમાં સર્વે કરવામાં આવેલા સ્થળોએ પે એન્ડ પાર્ક શરૂ કરાવી ટ્રાફિકની સમસ્યાને હળવી કરી શકાય. મહપાત્રાની દિલ્હી બદલી થતાની સાથે જ ફરજ પર મુકવામાં આવેલા તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર ડી.તારા.એ વર્ષ-૨૦૧૬-૧૭ના અંદાજપત્રમાં આ પ્રોજેકટને અમલમાં મુકવાની દ્રષ્ટીએ શહેરમાં ૫,૦૦૦ જેટલા સ્થળોએ પાર્કીંગ તરીકે વિકસાવવાની જાહેરાત કરી હતી.આ સાથે જ તેમણે શહેરમાં મોખરાના ટ્રાફિક જંકશનો પર ૨૦૦ જેટલી મહિલાઓને ખાસ તાલિમ આપીને તેમને ટ્રાફિક નિયંત્રણ કરવાની ફરજ સોંપવાની સાથે તેમને આ કામગીરી માટે ખાસ વળતર આપવાની પણ બજેટમાં જોગવાઈ કરી હતી.પરંતુ આ પ્રોજેકટનો અમલ થાય.એ અગાઉ કમિશનર પદેથી ડી.તારા.ની પણ બદલી થઈ જતા આ આખીય યોજના અભરાઈ ઉપર ચઢાવી દેવામાં આવી છે.મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટ્રાફિક વિભાગનું સંકલન કરતા સૂત્રોનું કહેવું છે કે,આ યોજના ઉપર અમલ કરવો હોય.તો શકય છે.પરંતુ રાજકીય લોકોની જ ઈચ્છા નથી.કે આ યોજના અમલી બને.બીજી તરફ પૂર્વ કમિશનર દ્વારા વર્ષ-૨૦૧૭-૧૮માં રજુ કરવામાં આવેલા બજેટમાં કેટલાક અન્ય પ્રોજેકટો પણ હાલના કમિશનર દ્વારા અભરાઈ ઉપર ચઢાવી દેવામાં આવ્યા છે.જેમાં શહેરના ઉસ્માનપુરા પાસે ૧૫૦૦ ચો.મી.જગ્યામાં ચીલ્ડ્રન પાર્ક વિકસાવવાની દરખાસ્તની સાથે ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટેની અન્ય યોજનાઓનો પણ સમાવેશ થાય છે.જેમાં મુખ્ય રસ્તાઓ ઉપર ઈલેકટ્રોનિક ડીસ્પલે મુકવાની જાહેરાત કરવામાં આવી હતી.