(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૭
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજરોજ મળેલી સામાન્ય બેઠકમાં શહેરના તુટેલા રોડ મામલે વિપક્ષ કોંગ્રેસ દ્વારા સુતેલા તંત્ર અને શાસકપક્ષને જગાડવા માટે થાળી અને વેલણ વગાડતા ગૃહમા પ્રવેશ કરતા ભારે હંગામો મચી જવા પામ્યો હતો.દરમિયાન વિપક્ષના આ દેખાવનો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા વિરોધ કરી ગૃહમા આ પ્રકારે વર્તન કરનારા કોંગ્રેસના કોર્પોરેટરોને સસ્પેન્ડ કરવાની માગણી કરી હતી દરમિયાન મેયરે સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી.આજે મળેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય બેઠકની શરૂઆતમા કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા થાળી-વેલણ સાથે દેખાવ કરવામા આવતા અધ્યક્ષસ્થાનેથી મેયરે શાયરીમા પ્રતિક્રિયા આપતા ઈકબાલ શેખે પણ શાયરીમા વળતો જવાબ આપ્યો હતો.વિપક્ષનેતા દિનેશ શર્માએ તંત્ર અને શાસકપક્ષને ભીંસમાં લેતા કહ્યુ કે, તમારે આભાર અખબારો અને મીડિયાનો માનવો જોઈએ જો મીડિયા આટલુ જાગૃત ન હોત તો શહેરના તુટેલા રોડ મામલે તમે હજુ સુધી ઉંઘતા જ રહ્યા હોત.શહેરમા વડાપ્રધાન કે જાપાનના વડાપ્રધાન આવે તો રાતોરાત રોડ તૈયાર કરી દેવાય છે પરંતુ લોકો માટે કરવામા આવતા નથી. બ્લેકલિસ્ટ કરવામા આવેલા કોન્ટ્રાકટર જી પી ચૌધરી દ્વારા આચરવામા આવેલી ગેરરીતિ મામલે જો બે દિવસમા કાર્યવાહી કરવામા નહી આવે તો કોર્ટ કાર્યવાહી કરવાની પણ ચીમકી આપી હતી.મેયરે દેશમા કયાંય ન કરાઈ હોય એવી કાર્યવાહી શહેરમા કરાઈ રહી હોવાની ટીપ્પણી કરતા વિપક્ષનેતાએ કહ્યુ,આખા દેશમાં કયાંય જેટલો ભ્રષ્ટાચાર નહીં થયો હોય એટલો મ્યુનિ.તંત્રમા થયો છે એમ કહો.દરમિયાન આ સમયે પૂર્વ વિપક્ષનેતા અને દિનેશ મકવાણા વચ્ચે શાબ્દિક પ્રહારો એકબીજા પર કરાયા હતા.ડોર ટુ ડોર મામલે ચાલેલી ચર્ચામા પણ કોંગ્રેસના તમામ કોર્પોરેટરો સત્તાધારી પક્ષને ભીંસમા લેવામા સફળ રહ્યા હતા.જેમા ઈકબાલ શેખે સોલીડ વેસ્ટ ચેરમેનને ટારગેટ કરતા કહ્યુ કે,ગોમતીપુર વોર્ડમા ૬૦ પેડલ રીક્ષાની જરૂર છે એની સામે તમે માત્ર ૧૦ આપો છો અને સફાઈની વાતો કરો છો.સુરેન્દ્ર બક્ષીએ શહેરમાં બનાવાયેલા દુધેશ્વર અને આરટીઓ સર્કલના મોડેલ રોડ અંગે પર્દાફાશ કરતા કહ્યુ કે, આ રોડ મામલે સીટી ઈજનેર પત્ર લખે છે છતાં તંત્ર તેમને ગાંઠતુ નથી પેમેન્ટ પણ ચુકવાઈ ગયા ત્યાં જઈ પરિસ્થિતિ તો જુઓ. આ મામલે પૂર્વ મેયર અમિત શાહે પણ કોન્ટ્રાકટર સામે કાર્યવાહી કરવા કહ્યું હતું. દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે રોડ મામલે હાઈકોર્ટને રિપોર્ટ આપવામા આવી રહ્યો હોવાનુ કહી જેમ જેમ આ મામલે પ્રગતિ સધાતી જશે તેમ તેમ કોર્ટને માહિતગાર કરવામા આવશે એમ ગૃહને કહ્યુ હતું.