અમદાવાદ,તા.પ
રાજયના પોલીસવડાએ રાજયની પોલીસ ફોર્સને શિસ્તમાં રહેવા વધુ એક આદેશ આપ્યો છે જેમાં ટીવી ચેનલ્સમાં કેમેરા સામે કોઈપણ પોલીસ અધિકારીએ સિવિલ ડ્રેસમાં ઈન્ટરવ્યુ આપવો નહીં.
રાજયના પોલીસવડા શિવાનંદ ઝાએ ટીવી ચેનલો સામે ઈન્ટરવ્યુ આપતા પોલીસ અધિકારીઓ માટે એક માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં સુચના આપવામાં આવી છે કે ટેલિવિઝન ચેનલના કેમેરા સામે કોઈપણ પોલીસ અધિકારીએ સિવિલ ડ્રેસમાં ઈન્ટરવ્યુ આપવો નહીં. શિવાનંદ ઝા દ્વારા તમામ પોલીસ કમિશનરો અને ડીએસપીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે ડીજીપી ઓફિસના ધ્યાનમાં આવ્યું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ટેલિવિઝન ચેનલ સામે માહિતી આપતા જુનિયર પોલીસ અધિકારીઓ સામા માણસ સમજી શકે તે પ્રકારનો સંદેશ આપતા નથી. તેથી સુચના અપાવવામાં આવે છે કે શહેરમાં માત્ર નાયબ પોલીસ કમિશનર અને જિલ્લામાં નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીઓ જ ટીવી સામે માહિતી આપે તે ઈચ્છનીય છે. જયારે કોઈપણ બનાવના સ્થળે પહોંચનાર પોલીસ અધિકારીઓ પણ માધ્યમોને માહિતી આપતા હોવાની હકીકત મળી છે ઘણી વખત પોલીસ અધિકારી સિવિલ ડ્રેસમાં હોય તો પણ ઈન્ટરવ્યુ આપે છે તેથી તાકીદ કરવામાં આવે છે કે પોલીસ યુનિફોર્મમાં ના હોય તેવા અધિકારીઓએ ટીવી સામે ઈન્ટરવ્યુ આપવા નહીં.