(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.ર૯
અમદાવાદની સરકારી સિવિલ હોસ્પિટલમાં ર૪ કલાકમાં ૯ સહિત બે દિવસમાં ૧૮ નવજાત બાળકોના મોત નિપજતાં હોબાળો મચી જવા પામતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઘટનાને દુઃખદ ગણાવી તમામ કક્ષાએ તપાસ કરાવવાની ખાતરી ઉચ્ચારી હતી. આ સાથે તેમણે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.પ્રભાકરને બોલાવી સમગ્ર મામલે સ્પષ્ટતા માગી છે. સરકાર દ્વારા સમગ્ર બનાવની તપાસ માટે એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. અમદાવાદની સરકાર હસ્તકની સિવિલ હોસ્પિટલમાં ગયા શુક્રવારની મધરાતથી લઈને શનિવાર રાત સુધીમાં ઓછામાં ઓછા ૯ નવજાત બાળકોનાં મરણ નિપજ્યાં હતા. ગુજરાત સરકારે આજે એક નિવેદનમાં જણાવ્યું છે કે કયા સંજોગોમાં આ બાળકોનાં મરણ થયા તે વિશે તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાત સરકારે કહ્યું છે કે મેડિકલ એજ્યુકેશનના ડેપ્યૂટી ડાયરેક્ટર આર.કે.દીક્ષિતની આગેવાની હેઠળની સમિતિ બાળકોનાં મરણના કારણ તથા સંજોગોની તપાસ કરશે. સરકારે એમ પણ જણાવ્યું છે કે, મૃત્યુ પામેલા ૯માના પાંચ બાળકોને બહુ દૂરના સ્થળોએથી અહીં લાવવામાં આવ્યા હતા અને ખૂબ જ ઓછા વજનને કારણે એમની તબિયત ખૂબ જ નાજૂક અવસ્થામાં હતી. જ્યારે અન્ય કેટલાક બાળકો જીવલેણ બીમારીઓથી પીડાતા હતા અને તેથી એમની તબિયત ખૂબ ગંભીર બની ગઈ હતી. સિવિલ હોસ્પિટલ મુદ્દે મુખ્યમંત્રી રૂપાણીએ પ્રતિક્રિયા આપતાં સિવિલમાં બાળકોના મોતની ઘટનાને દુઃખદ ગણાવી જણાવ્યું હતું કે, સારવારમાં કોઈપણ પ્રકારનો અભાવ હશે તો તેની ચકાસણી કરવામાં આવશે. તમામ કક્ષાએ તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. પ્રથમ દૃષ્ટિએ દવાના અભાવે ઘટના બની હોય તેવું જણાઈ રહ્યું છે. કમીટિના રિપોર્ટ બાદ જવાબદારો સામે પગલાં લેવાશે. મુખ્યમંત્રી રૂપાણીએ આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી વિગતો મેળવવા સાથે જરૂરી ચર્ચા કરી નિર્દેશો પણ આપ્યા હતા. રાજ્ય સરકારે બાળકોના મોત મામલે તપાસના આદેશ કર્યાં છે અને કમિટીની રચના કરવામાં આવી છે. સરકારે કમિટી પાસે ૨૪ કલાકમાં જ જવાબ માગ્યો છે. તપાસ કમિટી સિવિલ પહોંચી ગઈ છે અને પોતાનો રિપોર્ટ તૈયાર કરી રહી છે. કમિટીમાં ૩ એક્સપર્ટ લેવામાં આવ્યા છે, જેમાં ૨ ડૉક્ટર અને ૧ વહીવટી અધિકારી સામેલ છે. ટીમમાં ૧ ગાંધીનગરના અને ૧ વડનગરના ડૉક્ટરનો સમાવેશ કરાયો છે. ગાંધીનગરના હેલ્થ વિભાગના વહીવટી અધિકારી પણ કમિટીમાં સામેલ છે. દરમિયાન, ગુજરાતના આરોગ્યપ્રધાન શંકર ચૌધરીનું કહેવું છે કે સિવિલ હોસ્પિટલમાં એકેય બાળકનું મરણ થયું નથી. આ બધી અફવા છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલા માટે સિવિલ હોસ્પિટલની બહાર પોલીસોને ગોઠવી દેવામાં આવ્યા છે.