હથિયારધારી પોલીસ મૂકવા સહિતની માગ સ્વીકારતા

સિવિલ હોસ્પિટલના મહિલા તબીબને દર્દીના સગા દ્વારા મારમારવાના વિરોધમાં રેસિડેન્ટ ડોકટરો હડતાળ પર ઉતરી ગયા હતા. અંતે માગણી સ્વીકારાતા હડતાળ પાછી ખેંચી હતી.

અમદાવાદ, તા.૨૭

શહેરની સિવિલ હોસ્પિટલમાં દર્દીના સ્વજનો દ્વારા દર્દીને સમયસર સારવાર ન આપવામાં આવી હોવાના આક્ષેપ સાથે ટ્રોમા સેન્ટરના તબીબ અને સિકયોરીટી સ્ટાફ સાથે રવિવારના રોજ મારામારી કરવામાં આવ્યા બાદ સુરક્ષાની માગણી સાથે હડતાળ ઉપર ઉતરી ગયેલા હોસ્પિટલના તબીબોની હથિયારધારી પોલીસ મુકવાની માગણી સ્વીકારવામાં આવતા અંતે તબીબો દ્વારા હડતાળ પાછી ખેંચવામાં આવી હતી.સિવિલના તબીબોના સમર્થનમાં વી.એસ. હોસ્પિટલના તબીબો દ્વારા પણ આજે ઓપીડી બંધ રાખવામાં આવી હતી. આ અંગેની વિગત એવી છે કે, લાલતાગીરી નામના દર્દીને રીક્ષા પલટી ખાઈ જતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચવા પામી હતી.જેમને હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવતા બપોરના સુમારે તબીબોએ તેમને આઈસીસીયુમાં શિફટ કરવા કહ્યું હતું. આમ છતાં મોડી રાત સુધી તેમને શિફટ કરવામાં ન આવતા તેમનું મોત થયા બાદ તેમના સ્વજનો અને પરિવારજનો મોટી સંખ્યામાં હોસ્પિટલમાં ધસી આવ્યા હતા. જ્યાં તેમણે ફરજ પરના હાજર એવા મહિલા તબીબ અને સિકયોરીટી સ્ટાફ સાથે મારામારી કરતા સિવિલ હોસ્પિટલના રેસીડેન્ટ ડોકટરો ગઈ રાતથી સુરક્ષાના મામલે હડતાળ ઉપર ઉતરી ગયા હતા. જ્યાં આજે તેમણે સુરક્ષાના મામલે સુપ્રિન્ટેન્ડન્ટ ડો.પ્રભાકરને આવેદનપત્ર પણ આપ્યું હતું. દરમ્યાન ઝોન-૪ ડીસીપી દ્વારા તબીબો દ્વારા કરવામાં આવેલી માગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ માગણીઓમાં હવે પછી સિવિલ હોસ્પિટલમાં પોલીસ ટેબલ નહીં પરંતુ પોલીસ ચોકી બનાવવી, નવી પોલીસ ચોકી ન બને ત્યાં સુધી ટ્રોમા સેન્ટરની સામે પીસીઆર વાન તૈનાત કરવા જેવી માગણીઓનો સમાવેશ થાય છે. સૂત્રોના કહેવા અનુસાર, હોસ્પિટલના પાંચ વોર્ડમાં હથિયારધારી પોલીસ મુકવાની પણ માગણીનો સ્વીકાર કરવામાં આવ્યો છે. બીજી તરફ સિકયોરીટીના માણસે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસ દ્વારા ગઈકાલે રાત્રીના સમયે બનેલી ઘટના સંદર્ભે  ટોળા વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરીને રાયોટીંગનો ગુનો દાખલ કર્યો છે. હુમલો કરનાર મુખ્ય મહિલા આરોપી ફરાર છે. જ્યારે ડોકટર ઝલક ઉપર હુમલો કરવા મામલે છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. શહેરની વી. એસ. હોસ્પિટલમાં પણ આ હડતાળના સમર્થનમાં ઓપીડી બંધ રખાતા શહેરની બંને હોસ્પિટલમાં સારવાર વગર દર્દીઓની હાલાકીમાં ભારે વધારો થયો હતો. એક વિગત એવી પણ બહાર આવવા પામી છે કે, સિવિલ હોસ્પિટલમાં હડતાળને પગલે એક દર્દીને સારવાર માટે વી.એસ. હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતો હતો. તે દરમિયાન સારવાર મળે તે અગાઉ તેનું મોત થવા પામ્યું છે.