અમદાવાદ,તા.૨૦
શહેરના શાહીબાગ ખાતે આવેલી યુએન મહેતા હોસ્પિટલની પાછળ આવેલા બીજે મેડિકલ કોલેજના કેમ્પસમાં મોડી રાતે સૂઇ રહેલા ધંધૂકાના ચેલાભાઇ ભરવાડ પર કાર ફરી વળતાં અકસ્માત સર્જાયો હતો. કારચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતાં ચેલાભાઇ પર કાર ચઢાવી દીધી હતી. જેના કારણે તે દસ ફૂટ જેટલા ઘસડાયા હતા. ચેલાભાઇની પુત્રીને હાર્ટની બીમારી હોવાના કારણે તેને યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી હતી. અમદાવાદ જિલ્લાના ધંધૂકા તાલુકામાં રહેતા ચેલાભાઇ વસરામભાઇ ભરવાડે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં કારચાલક વિરુદ્ધમાં અકસ્માતની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે ચેલાભાઇ ભરવાડ યુ.એન મહેતા હોસ્પિટલની પાછળ આવેલ બી.જે.મેડિકલ કોલેજના કેમ્પસમાં સૂવા માટે ગયા હતા. ચેલાભાઇ ચાદર પાથરીને સૂતા હતા ત્યારે રાત્રે એક કારચાલકે પુરઝડપે કાર ચલાવી હતી અને ચેલાભાઇ પર કાર ચઢાવી દીધી હતી. આ ઘટનામાં બુમાબુમ થઇ જતાં લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત ચેલાભાઇને સારવાર સિવિલ હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી લઇ જવામાં આવ્યા હતા.