(એજન્સી)નવી દિલ્હી, તા.રર
કોંગ્રેસ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ મૂકતા જણાવ્યું હતું કે મોદીનો મુખ્ય એજન્ડા દેશની સંસ્થાઓને ખત્મ કરી દેવાનો છે. કોંગ્રેસે સિવિલ સર્વિસીસની ફાળવણીમાં ફેરબદલ કરવાના કેન્દ્ર સરકારના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે ઈન્સ્ટિટ્યૂશન્સને ધ્વસ્ત કરવી એ મોદીનો મુખ્ય હેતુ છે. મોદીએ ઓલ ઈન્ડિયા સિવિલ સર્વિસીસ મેરિટને ખત્મ કરવા પ્રસ્તાવ રજૂ કર્યો છે. મોદી પાયાના ગુણને મેરિટમાં ઉમેરી મનફાવે તેમ સુધારા કરવા માંગે છે. મોદી યુપીએસસીના પાયા ના ગુણ મેરિટમાં ઉમેરવા માંગે છે. જેથી મેરિટમાં છેડછાડ કરી શકાય. આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસ નેતા આનંદ શર્માએ જણાવ્યું હતું કે અમે બંધારણ મુજબ ખૂબ જ સ્પષ્ટ નિયમો બનાવ્યા છે. અમે મેરિટ પ્રમાણે પસંદગીની વ્યવસ્થા ગોઠવી છે. મેરિટ મુજબ જ લોકોને કેડર આપવામાં આવે છે. આ સરકાર ભારતની સિવિલ સર્વિસ પ્રક્રિયામાં પણ હસ્તક્ષેપ કરવા માંગે છે. જે નિયમોનું ઈરાદાપૂર્વકનું ઉલ્લંઘન છે. આનંદ શર્માએ જણાવ્યું હતું કે હું આ માળખાને ધ્વસ્ત કરવા માંગતા લોકોને ચેતવણી આપવા માંગું છું. આઈએએસ અને આઈપીએસના પાયાના ગુણ સંબંધી મેરિટમાં દરમ્યાનગીરી કરી મોદી સરકાર અમલદારશાહીને કેસરિયો રંગ આપવા ઈચ્છે છે. સરકાર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ઈશારે આ ભારતીયો કરવા માંગે છે. મોદી સરકાર સીવિલ સર્વિસની પરીક્ષામાં ઉતીર્ણ થનાર ઉમેદવારોને હોદ્દાની ફાળવણીમાં મોટા પરિવર્તન કરવા માંગે છે. વડાપ્રધાન કાર્યાલયે આ માટે સંબંધિત વિભાગોને ફાળવણીના નિયમો અને વ્યસ્થાની સમીક્ષા કરવા પણ જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ સિવિલ સર્વિસની પરીક્ષામાં મેળવેલ રેન્કને આધારે હોદ્દાની ફાળવણી કરવામાં આવે છે. સંપૂર્ણ વ્યવસ્થા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)ના હસ્તક છે. મોદી સરકારનો પ્રસ્તાવ છે કે ફાઉન્ડેશન કોર્સ પૂર્ણ કર્યા બાદ જ ઉમેદવારનેે નિમણૂક અપાય.