(એજન્સી) નવી દિલ્હી, તા.૨૦
સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સામે એક મહિલા દ્વારા જાતીય સતામણીના મુકવામાં આવેલા આરોપો અંગે શનિવારે સુપ્રીમકોર્ટમાં ખાસ સુનાવણી કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ અરૂણ મિશ્રા અને જસ્ટિસ સંજીવ ખન્નાની બનેલી બેંચે જણાવ્યું કે ચીફ જસ્ટિસ સામે મુકાયેલા આરોપો પર એક યોગ્ય બેંચ (અન્ય જજીસની બેંચ) સુનાવણી કરશે. કોર્ટે જણાવ્યું કે ન્યાયતંત્રની સ્વતંત્રતા ‘અત્યંત ગંભીર ખતરા’માં છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ તેમની સામે મુકાયેલા જાતીય સતામણીના આરોપોને પાયાવગરના ગણાવીને તેને આગામી સપ્તાહે કેટલાક મહત્વના મામલાઓની થનારી સુનાવણીથી તેમને રોકવાની કોશિશ ગણાવી છે. ચીફ જસ્ટિસે કહ્યું કે જાતીય સતામણીનો આરોપ તેમને ‘નિષ્ક્રિય’ કરવાના ‘બહુ મોટા કાવતરા’નો ભાગ છે. વિશેષ સુનાવણીનું કારણ બતાવતા ચીફ જસ્ટિસે કહ્યું કે ‘મેં આજે કોર્ટમાં બેસવાનું અસામાન્ય અને અસાધારણ પગલું ભર્યું છે, કારણ કે મામલો બહુ આગળ વધી ગયો છે….ન્યાયતંત્રને બલિનો બકરો બનાવી શકાય નહીં.’ સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે મારી સામે મુકાયેલા આરોપો પાછળ કોઇ મોટી તાકાત હશે, જે સીબીઆઇના કાર્યાલયને નિષ્ક્રિય કરવા માગે છે. તેમણે કહ્યું કે તેઓ આગામી સપ્તાહે મહત્વના મામલાઓની સુનાવણી કરવાના છે અને આ તેમને સુનાવણી કરવાથી અટકાવવાની કોશિશ છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે સ્વતંત્ર ન્યાયતંત્રને અસ્થિર કરવાનું એક ભયંકર કાવતરૂં ઘડવામાં આવ્યું છે. તેમણે એવું પણ કહ્યું કે હું આ ખુરશી પર બેસીશ અને કોઇ પણ પ્રકારના ભય વગર ન્યાયતંત્ર સાથે સંબંધિત પોતાના કર્તવ્ય પુરા કરતો રહીશ.’
નોંધનીય છે કે ચીફ જસ્ટિસ આગામી સપ્તાહે રાહુલ ગાંધી સામેની અનાદરની અરજી, પીએમ નરેન્દ્રમોદીની બાયોપિકના રિલીઝ સાથે તમિળનાડુમાં મતદારોને કથિત રીતે લાંચ આપવાના કારણે ત્યાં ચૂંટણી સ્થગિત કરવાની માગણી કરતી અરજીઓ પર સુનાવણી કરવાના છે. જોકે, તમિળનાડુના વેલ્લોર સિવાય બધા લોકસભા મતવિસ્તારોમાં મતદાન થઇ ગયું છે.
મહત્વની બાબતો
– સીજેઆઇ સામેના જાતીય સતામણીના આરોપોની એક યોગ્ય બેંચ સુનાવણી કરશે.
– આદેશ લખાવતા જસ્ટિસ અરૂણ મિશ્રાએ જણાવ્યું કે ચીફ જસ્ટિસ અહીં ઉપસ્થિત હોવાથી આ ઘડીએ અમે કોઇ ન્યાયિક આદેશ આપી રહ્યા નથી. પ્રસિદ્ધ કરવું કે નહીં તે મીડિયાની બુદ્ધીમત્તા પર છે.
– મારે દેશના નાગરિકોને આ કહેવું પડે છે, દેશનું ન્યાયતંત્ર ગંભીર ખતરામાં છે પરંતુ તેને ધ્યાનમાં લીધા વગર હું કામ કરવાનું ચાલુ રાખીશ : સીજેઆઇ
– જે પ્રકારનો હુમલો કરાયો છે, તેનાથી કોઇ પણ જજ કેસોમાં ચુકાદો આપશે નહીં.
– હું આ કોર્ટનો એક અધિકારી છું, સરકારનો બચાવ કરવા બદલ મારા પર પણ હુમલા થાય છે : એટર્ની જનરલ કેકે વેણુગોપાલ
– તેઓ નાણા અંગે મને પકડી ન શક્યા તેથી આ લાવ્યા છે. ૨૦ વર્ષની મારી નિસ્વાર્થ સેવાઓનો મને આ પુરસ્કાર મળ્યો છે. મારૂં બેંક બેલેન્સ ૬,૮૦,૦૦૦ રૂપિયા છે.
– ચોક્કસપણે આ બ્લેકમેલની ટેકનિક છે : સોલિસીટર જનરલ તુષાર મહેતા
– વાહિયાત પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યું છે : એસજી તુષાર મહેતા
– મામલો બહુ આગળ વધી ગયો છે. ન્યાયતંત્રને બલિનો બકરો બનાવી શકાય નહીં : ચીફ જસ્ટિસ
– હું નિશંકે કહેવા માગું છું કે દરેક કર્મચારી સાથે યોગ્ય રીતે વ્યવહાર કરવામાં આવે છે. આ આરોપોનો જવાબ આપવાનું મને યોગ્ય લાગતું નથી : સીજેઆઇ

ભારતના ચીફ જસ્ટિસે મારી જાતીય સતામણી કરી, ૨૨ જજીસને આપેલા સોગંદનામામાં સુપ્રીમકોર્ટના ભૂતપૂર્વ સ્ટાફરે કહ્યું

(એજન્સી) નવી દિલ્હી,તા. ૨૦
૩૫ વર્ષીય મહિલાએ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ સામે આરોપ મુક્યો છે કે ૨૦૧૮ની ૧૦ અને ૧૧મી ઓક્ટોબર દરમિયાન ચીફ જસ્ટિસ ગોગોઇ દ્વારા તેની જાતીય સતામણી કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ મને પાછળથી ભેટ્યા હતા. તેમણે મારા આખા શરીર પર તેમના હાથ ફેરવ્યા હતા અનેે મને ખેંચીને તેમણે મારા શરીરને સ્પર્શ કર્યો હતો અને મને જવા દીધી ન હતી. પોતાના સોગંદનામામાં મહિલાએ લખ્યું છે કે હું તેમના સકંજામાંથી છટકવાના પ્રયાસો કરી રહી હોવા છતાં ચીફ જસ્ટિસે મને પકડી રાખી હતી. સુપ્રીમકોર્ટના જજીસને સંબોધની મહિલાએ પોતાના પત્રમાં લખ્યું છે કે૨૦૧૪ની પહેલી મે થી ૨૧મી ડિસેમ્બર સુધી સુપ્રીમકોર્ટમાં હું જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ હતી. ડિસેમ્બર ૨૦૧૮માં મને સર્વિમાંથી કાઢી મુકવામાં આવ્યું હતું. સોગંદનામામાં મહિલાએ જણાવ્યું કે ચીફ જસ્ટિસને હટાવી દીધા હતા તે તેમના નિવાસસ્થાનની ઓફિસેથી બહાર નીકળી ગઇ હતી. ઓગસ્ટ ૨૦૧૮માં ચીફ જસ્ટિસના નિવાસસ્થાનની ઓફિસમાં તેની નિયુક્તિ કરવામાં આવી હતી. બે મહિના પછી ૨૧મી ડિસેમ્બરે તેની નોકરીએથી કાઢી મુકવામાં આવી હતી. તેને નોકરીએથી કાઢી મુકવા માટે ત્રણ કારણો જણાવવામાં આવ્યા હતા. ત્રણમાંથી એક કારણ મંજૂરી મેળવ્યા વગર તે એક દિવસે કેઝ્‌યુઅલ રજા પર રહી હતી. સોંગદનામામાં તેણે એવો દાવો કર્યો છે કે નોકરીએથી કાઢી મુક્યા બાદ તેના આખા પરિવારને પરેશાન કરવામાં આવ્યો. તેના પતિ અને દિયરને એક ફોજદારી કેસમાં સંડોવણી બદલ ૨૦૧૮ની ૨૮મી ડિસેમ્બરે દિલ્હી પોલીસમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. બંને જણા દિલ્હી પોલીસમાં હેડ કોન્સ્ટેબલ હતા.

૨૦ વર્ષની નિસ્વાર્થ સેવાનું આ ઇનામ મળ્યું : ચીફ જસ્ટિસ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦
ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ સામે મહિલા દ્વારા મુકવામાં આવેલા જાતીય સતામણીના આરોપોને પાયાવગરના ગણાવીને ચીફ જસ્ટિસે કહ્યું કે ‘આ અવિશ્વસનીય છે. મને નથી લાગતું કે આ આરોપોને રદિયો આપવા માટે મારે આટલું નીચે ઉતરવું જોઇએ.’ આરોપોથી દુઃખી ચીફ જસ્ટિસે કહ્યું કે તેમને ન્યાયતંત્રમાં ૨૦ વર્ષની નિસ્વાર્થ સેવાનું આ ઇનામ મળ્યું છે. તેમણે કહ્યું કે ન્યાયતંત્રમાં ૨૦ વર્ષોની નિસ્વાર્થ સેવા બાદ તેમની પાસે ૬.૮ લાખ રૂપિયાનું બેંક બેલેન્સ છે અને પીએફમાં ૪૦ લાખ રૂપિયા છે. સીજેઆઇ રંજન ગોગોઇએ કહ્યું કે જ્યારે તેમની વિરૂદ્ધમાં કશું જ ન મળ્યું તો મારી સામે આરોપ મુકવા માટે આ મહિલાને ઉભા કરવામાં આવી. તેમણે કહ્યું કે કેટલીક મીડિયા સંસ્થાઓએ એક મહિલા દ્વારા મુકવામાં આવેલા આરોપોને પુષ્ટિ કર્યા વગર પ્રકાશિત કરવામાં આવ્યા. તેમણે કહ્યું કે મહિલાની ગુનાઇત પૃષ્ઠભૂમિ છે અને તે પોતાના ક્રિમિનલ રેકોર્ડને કારણે ૪ દિવસ સુધી જેલમાં પણ રહી ચુકી છે. સીજેઆઇએ કહ્યું કે પોલીસ પણ મહિલાના વ્યવહાર અંગે ચેતવણી આપી ચુકી છે.