(એજન્સી) નવી દિલ્હી, તા.૯
સુપ્રીમ કોર્ટમાં આજે એક અસાધારણ અરજી દાખલ થઈ હતી. અરજીમાં નાગરિકતા સુધારા કાયદાને બંધારણીય ઠરાવવા માગણી કરવામાં આવી હતી. એ અરજીની સુનાવણી દરમિયાન સીજેઆઈ એસ.એ. બોબડેએ કહ્યું, “દેશ મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યો છે. આ પ્રકારની અરજીઓથી પરિસ્થિતિમાં કોઈ ફેર પડશે નહીં. એના કરતા દેશમાં શાંતિની સ્થાપના થાય એ વિશે વિચારવું જોઈએ. સંસદમાં ડિસેમ્બર મહિનામાં સીએએ બિલ પસાર થયું હતું. આ કાયદાની આલોચના થઈ રહી છે. વિવેચકોનું માનવું છે કે, આ કાયદો એનઆરસીનો માર્ગ મોકળો કરનાર છે અને વધુમાં આ કાયદો ધાર્મિક આધારે ભેદભાવ કરનારો છે.
અરજદારે સુપ્રીમ કોર્ટમાં સીએએને બંધારણીય જાહેર કરવા અને બધા રાજ્યો અમલ કરે એવા નિર્દેશો આપવા અરજી દાખલ કરી છે. નોંધનીય છે કે, કેરળ અને બંગાળ સમેત કેટલાક બિનભાજપી રાજ્યોએ કાયદાનો અમલ નહીં કરવા જાહેરાત કરી છે. સીજેઆઈએ જણાવ્યું કે, “જ્યારે સંસદમાં કાયદો પસાર થાય છે, ત્યારે અનુમાન કરવામાં આવે છે કે, એ બંધારણીય છે. અમોએ આજ સુધી એવી અરજીઓ જોઈ નથી. જેમાં કાયદાને બંધારણીય જાહેર કરવા માગણી કરાય, અમારી સમક્ષ કાયદાની કાયદેસરતા નિર્ધારણ કરવા અરજી કરાય છે. એ માટે નહીં કે, અમે કાયદો બંધારણીય છે એ જાહેરાત કરીએ. સંસદે પસાર કર્યો છે એથી એ બંધારણીય છે જ.”
આજે સુપ્રીમ કોર્ટે એક અન્ય અરજીની સુનાવણી કરવા ઈનકાર કર્યો હતો. જેમાં યુનિવર્સિટીમાં પોલીસ અત્યાચારો સામે તપાસ કરવા રજૂઆતો કરાઈ હતી.