(એજન્સી) તા.૧૬
વિદાય લઇ રહેલા મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇએ શુક્રવારે પોતાના અંતિમ કામકાજના દિવસે પત્રકારો તરફથી મુલાકાત લેવાની ઇન્ટરવ્યૂ આપવા ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ન્યાયમૂર્તિઓએ પોતાની સ્વતંત્રતાનો અમલ કરીને શાંતિ અને ખામોશી જાળવવાની જરુર છે. તેમણે જણાવ્યું હતુ ં કે કહેવાનો અર્થ એ નથી કે જજ બોલતાં નથી. જજ બોલે છે પરંતુ કામગીરીને લગતી જરુર હોય ત્યાં જ બોલે છે. કડવું સત્ય સ્મૃતિમાં રહેવું જોઇએ.
મુખ્ય ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું કે એક જાહેર સેવક તરીકે તેમને બંધારણીય ફરજોની જવાબદારી સોંપવામાં આવી હતી. પ્રેસ પાસે જવાનો વિચાર મારી સંસ્થાના હિતમાં ક્યારેય પસંદગી પામ્યો નથી. ગોગોઇએ જણાવ્યું હતું કે તેમણે એવી સંસ્થાની પસંદગી કરી હતી કે જેની તાકાત જાહેર વિશ્વાસ અને ભરોસામાં રહેલી છે. રંજન ગોગોઇએ પોતાના કાર્યકાળ દરમિયાન મીડિયાની ભૂમિકા અંગે પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ન્યાયતંત્રમાં કેટલીક મુશ્કેલ પળો દરમિયાન મીડિયાના મોટા ભાગના સભ્યોએ તટસ્થ ભૂમિકા ભજવી હતી. ક્યારેક કપરા સમયમાં પણ પ્રેસના મોટા ભાગના સભ્યોએ પરિપક્વતા અને નૈતિકતા દાખવીને અફવા અને જૂઠાણા ફેલાતાં અટકાવવા માટે અભૂતપૂર્વ સંયમ દાખવ્યો હતો. જાન્યુ.૨૦૧૮માં ગોગોઇ અને ન્યાયમૂર્તિ મદન બી લોકુર, જે ચેલામેશ્વર અને કુરિયન જોસેફે અભૂતપૂર્વ પત્રકાર પરિષદ યોજી હતી અને તત્કાલીન મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા સામે પરંપરાનો ભંગ કરવા બદલ આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે લોકતંત્ર ખતરામાં છે.