(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરી રહેલ જામિયા મિલ્લિયા ઈસ્લામિયા અને અલીગઢ મુસ્લિમ યુનિ.ના વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા જંગાલિયત રીતે માર મારવાના મામલા બાબત સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હિંસાને રોકો, એ પછી અમે ન્યાયીક તપાસની માગણી બાબત સુનાવણી કરીશું. આજે સવારે કોર્ટ ખૂલતા સાથે વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહ, કોલિન ગોંસાલ્વિસ અને અન્યોએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડે સમક્ષ આ મામલાનો ઉલ્લેખ કર્યો અને વિદ્યાર્થીઓ ઉપર પોલીસ દ્વારા કરાયેલ અત્યાચારોની તપાસ કરાવવા માગણી કરી હતી અને કહ્યું હતું કે, માનવ અધિકારોનો ભંગ થઈ રહ્યો છે. જો કે, કોર્ટે મામલાની તાત્કાલિક સુનાવણી કરવા ઈનકાર કર્યો અને કહ્યું કે, પહેલાં હિંસા બંધ થવી જોઈએ. એ પછી અમે સુનાવણી કરીશું. સીજેઆઈ બોબડેએ કહ્યું, અમને ખબર છે કઈ રીતે રમખાણો થાય છે અમે અધિકારો બાબત પણ જાણીએ છીએ અને અધિકારો બાબત નિર્ણય લઈશું, પણ આવા હિંસાયુક્ત વાતાવરણમાં નહીં. કોર્ટને કોઈ મામલા ઉપર નિર્ણય લેવા બળજબરી કરી શકાય નહીં. એમણે આગળ કહ્યું કોર્ટ ઉપર દબાણો નહીં કરી શકાય. કોઈ પણ વિદ્યાર્થી કાયદો પોતાના હાથમાં નહીં લઈ શકે. અમે સુનાવણી કરીશું અને જોઈશું કે શું કરી શકાય છે, પણ જ્યારે શાંતિ સ્થપાય ત્યારે. હિંસક વિરોધ પ્રદર્શનો અને આગની ઘટનાઓ બંધ થયા પછી મંગળવારે ન્યાયીક તપાસ બાબત સીજેઆઈએ સંમતિ આપતા જણાવ્યું કે, આ મામલામાં અમે વધુ કંઈ નહીં કરી શકીએ. કારણ કે, આ કાયદો વ્યવસ્થાનો મુદ્દો છે, જે પોલીસને સંભાળવું છે. જામિયા મિલ્લિયા ઈસ્લામિયા અને એએમયુમાં વિદ્યાર્થીઓ ઉપર પોલીસ દ્વારા ગુજારાયેલ અત્યાચારોના સમાચારો સામે આવ્યા છે, જે નાગરિકતા સુધારા કાયદાની વિરૂદ્ધ પ્રદર્શનો કરી રહ્યા હતા. પોલીસ દ્વારા કરાયેલ લાઠીચાર્જમાં કેટલાક વિદ્યાર્થીઓ ઘવાયા હતા. કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરાઈ હતી. જો કે, દિલ્હી પોલીસના વડા મથકે મોડી રાત્રી સુધી વિરોધ પ્રદર્શનો કરી રહેલ વિદ્યાર્થીઓને છોડી મૂકાયો હતો. જામિયાના વિદ્યાર્થીઓએ મીડિયાને જણાવ્યું કે, પોલીસ લાયબ્રેરીમાં પણ ધસી આવી હતી અને ત્યાં અશ્રુવાયુના ટેટા ફોડ્યા હતા અને ત્યાં બેઠેલ લોકો ઉપર હુમલો કર્યો હતો. જામિયાના મુખ્ય પ્રોક્ટરે પોલીસ પર વિદ્યાર્થીઓને માર મારવાના આક્ષેપો મૂકયા હતા. એએમયુમાં ૬૦ વિદ્યાર્થીઓ ઘવાયા હતા. અલીગઢમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરાઈ છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા એએમયુને પાંચમી જાન્યુઆરી સુધી બંધ કરવાની જાહેરાત કરાઈ છે.