(એજન્સી) નવી દિલ્હી, તા.૮
કોંગ્રેસના બે સાંસદોએ સુપ્રીમ કોર્ટમાં રાજ્યસભાના અધ્યક્ષ નાયડુના આદેશને પડકારતી અરજી દાખલ કરી હતી જે પાછી ખેંચાઈ હતી. વેંકૈયા નાયડુએ સીજેઆઈ સામે મહાભિયોગ પ્રસ્તાવની નોટિસને રદ કરી હતી જેને સુપ્રીમ કોર્ટમાં પડકારાયું હતું. કોંગ્રેસે અરજી પાછી ખેંચ્યા પછી વકીલ સિબ્બલે કહ્યું કે અમે જાણવા માંગીએ છીએ કે પાંચ જજોની બંધારણીય બેંચની રચના કોણે કરી છે અમે એ આદેશની નકલ જોવા માંગીએ છે. જે અમારી અરજી સાંભળવાની હતી. પત્રકાર પરિષદને સંબોધતા કપિલ સિબ્બલે કહ્યું કે દેશના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું છે કે કોઈ વ્યક્તિએ વહીવટી આધારે આદેશ આપ્યું હોય. એમણે દાવો કર્યો કે સીજેઆઈ આ પ્રકારનો આદેશ પસાર નહીં કરી શકે.
સિબ્બલે કહ્યું કે અમોએ સોમવારે નાયડુના આદેશને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. જે આજે સુનાવણી માટે રખાઈ હતી પણ અમને કહેવાયું કે અમારી અરજી પાંચ જજોની બંધારણીય બેંચ સાંભળશે. આ આદેશ કોણે આપ્યો, શું આદેશો હતા.
સુપ્રીમ કોર્ટમાં સિબ્બલે કોંગ્રેસ સાંસદો પ્રતાપસિંઘ બાજવા અને અમી હર્ષદ યાજ્ઞિક તરફે રજૂઆત કરતાં કહ્યું હતું કે અમને આદેશની નકલ આપવામાં આવે જેમાં બંધારણીય બેંચની રચનાનો આદેશ છે કારણ કે અમે એને પડકારવો છે. આ આદેશની નકલ નહીં આપવાનો કોઈ કારણ નથી. આ દસ્તાવેજ એ પ્રકારનો નથી જે ઓફિશિયલ સિક્રેટસ એક્ટ ઉપર પ્રતિબંધિત હોય. અમને આદેશની નકલ આપવામાં આવશે તો જ અમે કેસના ગુણદોષ ઉપર દલીલો કરીશું. કારણ કે એવો કોઈ આદેશ નથી જેને બંધારણ હેઠળ પડકારી શકાય નહીં.
એમણે કહ્યું કે અમારા માનવા મુજબ સીજેઆઈએ આ આદેશ પસાર કરી પાંચ જજોની બેંચ જજ સિકરીની આગેવાની હેઠળ રચી હશે. અરજદારને અધિકાર છે કે એમને આદેશની નકલ આપવામાં આવે. અમારી ઈચ્છા છે કે સુપ્રીમ કોર્ટની પવિત્રતા અને પ્રક્રિયાને જાળવવામાં આવે. જો કે અમને સીજેઆઈ દીપક મિશ્રા વિરૂદ્ધ કોઈ અંગત દ્વેષ નથી. બંધારણીય બેંચમાં એ ચાર વરિષ્ઠ જજો નથી. એમણે જાન્યુઆરી મહિનામાં સીજેઆઈ સામે બળવો પોકાર્યો હતો. જે પાંચ જજોની નિમણૂક કરાઈ હતી એમાં જજ એ.કે. સિકરી, જજ એસ.એ. બોળડે, જજ એન.વી. રામન્ના, જજ અરૂણ મિશ્રા અને એ.કે. ગોયલ હતા. સિબ્બલે કહ્યું કે અરજીને હજુ નંબર નથી પડાયો, એડમિટ નથી થઈ તો પછી રાતોરાતમાં બેંચની રચના કોણે કરી, અમને એ જાણવું જરૂરી છે.
એમણે કહ્યું કે ફક્ત ન્યાયિક આદેશ પછી બંધારણીય બેંચ સમક્ષ મોકલી શકાય છે. વહીવટ આદેશ દ્વારા નહીં.
બંધારણના નિષ્ણાંતો મુજબ આ મામલામાં પહેલાં પણ કાયદાકીય ગૂંચ એ હતી કે આ સીજેઆઈ સામે મહાભિયોગનો મામલો છે. જેથી એ પોતે સાંભળી નહીં શકે. એમના પછી નંબર બે અર્થાત જજ ચેલામેશ્વર, જજ રંજન ગોગોઈ, જજ મદન બી લોકુર અને જજ કુરિયન જોસેફ હતા. પણ એમણે સીજેઆઈ સમક્ષ આક્ષેપો મૂક્યા હતા એથી એ પણ સુનાવણી કરી નહીં શકે. એના માટે છઠ્ઠા નંબરથી શરૂઆત કરાઈ હતી.
કોંગ્રેસનું માનવું છે કે વેંકૈયા નાયડુએ બંધારણીય નિષ્ણાતોની ત્રણ સભ્યોની કમિટી બનાવી મહાભિયોગ પ્રસ્તાવની તપાસ કરાવવાની હતી. પણ એમણે કમિટી બનાવ્યા વિના જ નિર્ણય કર્યું. જે નિર્ણયને જ પડકારાયું છે.

કોંગ્રેસ બોલિંગ કરવા માટે અનુકૂળ પીચ શોધી રહી છે, સુપ્રીમ કોર્ટમાં મહાભિયોગ અરજી બાબત અરૂણ જેટલીની ટિપ્પણી

નાણાંમંત્રી અરૂણ જેટલીએ કોંગ્રેસની સીજેઆઈ સામે મહાભિયોગ પ્રસ્તાવથી લઈ અને સુપ્રીમ કોર્ટ સુધી પડકારવા કરેલ નાટ્યાત્મક કાર્યવાહીની તીખી આલોચના કરી છે. એમણે કહ્યું કે કોંગ્રેસે ન્યાયતંત્ર ઉપર હુમલો કરી એની પ્રતિષ્ઠા ઘટાડવા જે પ્રયાસો કર્યા છે એ એમને મોંઘા પડશે. જેની કિંમત એને કર્ણાટકની ચૂંટણીઓમાં ચૂકવવી પડશે. જેટલીએ પહેલા પણ સીજેઆઈ સામે મહાભિયોગ પ્રસ્તાવની ટીકા કરતા કહ્યું કે કોંગ્રેસ મહાભિયોગને રાજકીય હથિયાર બનાવી રહી છે. જેટલીએ કહ્યું જે રીતે કોંગ્રેસનો મહાભિયોગ પ્રસ્તાવ ખોટો હતો એ જ રીતે એમનો રાજ્યસભાના સભાપતિના આદેશને પડકારતો નિર્ણય પણ ખોટો હતો. વેંકૈયા નાયડુએ પ્રસ્તાવ રદ કરતી વખતે કારણો આપ્યા હતા જે ખરા હતા. જેને કોર્ટમાં પડકારવાની જરૂર ન હતી. કોંગ્રેસે પ્રયાસો કર્યા હતા કે એમની અરજી એમની પસંદગીની બેંચ સમક્ષ મુકાય જેથી એ પોતાની ખોટી રજૂઆતોને પણ વ્યાજબી ઠરાવી શકાય. પણ જ્યારે પસંદગીની બેન્ચ નહીં જણાય તો એક અથવા બાજુ બહાનું આગળ ધરી અરજી પાછી ખેંચી કોંગ્રેસ એવી પીચ ઉપર બોલિંગ કરવા માંગે છે જે એમને અનુકુળ હોય.

CJI મહાભિયોગ : અરજી રદ થવાના બદલે પાછી ખેંચવી શાણપણભર્યું પગલું

વેંકૈયા નાયડુના નિર્ણયને પડકારતી અરજી કોંગ્રેસે આજે પાછી ખેંચી હતી જેમાં નાયડુએ સીજેઆઈ સામે મહાભિયોગના પ્રસ્તાવને રદ કર્યો હતો. અરજી પાછી ખેંચાતા અરજીનો નિર્ણય કરાયા વિના નિકાલ થયો છે. અર્થાત વેંકૈયાના નિર્ણયને હજુ પણ પડકારી શકાય છે. પ્રથમ દ્રષ્ટિએ તો આ સિબ્બલ અને વિપક્ષોને નુકસાનની જેમ દેખાય છે કારણ કે એ સીજેઆઈ સાથે મહાભિયોગ ચલાવવા માંગતા હતા પણ સંજોગો ધ્યાનમાં લેતા સિબ્બલનું આ પગલું શાણપણભર્યું દેખાઈ રહ્યું છે. સિબ્બલની દલીલ હતી કે અરજીની સુનાવણી માટેની બેંચની રચનાનો આદેશ જણાવવામાં આવે. જે કોર્ટ જણાવતી ન હતી. સિબ્બલને પાકી ખાત્રી હતી કે બેંચની રચના સીજેઆઈ દીપક મિશ્રાએ જ કરી હતી અને એ જ એ સાબિત કરવા માંગે છે જેથી જે મનમાની કરવાના આક્ષેપો એમણે સીજેઆઈ ઉપર મૂકયા છે એ સાચા ઠરાવી શકાય. આ કેસમાં સીજેઆઈને બેંચની રચના કરવાનો અધિકાર નથી. કોર્ટે સિબ્બલને દલીલો કરવા કહ્યું. જો સિબ્બલે દલીલો કરી હોત અને ચુકાદો એમની વિરૂદ્ધ આપ્યો હોત તો એ નિશ્ચિત થઈ જાત કે વેંકૈયા નાયડુનો નિર્ણય ખરો હતો. એમના આદેશને પડકારી નહીં શકાય જેમ લોયા કેસ સાથે બન્યું એ જ રીતનું બન્યું હોત અને રિવ્યુમાં પણ નાયડુના નિર્ણયને બદલી શકવાની શકયતા ન હતી. આ તબક્કે અરજી પાછી ખેંચવાથી સિબ્બલે સાબિત કર્યું છે કે નાયડુના નિર્ણય બાબત કોઈ ચુકાદો અપાયો નથી. જો સિબ્બલ કેસ જીતી પણ ગયા હોત અને મહાભિયોગ ચલાવવાની પરવાનગી અપાઈ પણ હોત તો પણ ૬ મહિનામાં આ પ્રક્રિયા પૂર્ણ કરી શકાઈ નહીં હોત કારણ કે ૬ મહિનામાં દીપક મિશ્રા નિવૃત્ત થવાના છે. આ પ્રકારનો વલણ હોવાથી કોંગ્રેસ પોતાનો કેસ જીંવત રાખી રહી છે અને સીજેઆઈ સામે કરેલ આક્ષેપોને આડકતરી રીતે લોકોમાં સાબિત કરી રહી છે અને ભાજપના ન્યાયતંત્ર ઉપર નિયંત્રણ મૂકવાના પ્રયાસો કરી રહ્યું છે એ પણ લોકોને બતાવવા માંગે છે.

પ્રશાંત ભૂષણે CJI મહાભિયોગ કેસમાં સુપ્રીમકોર્ટની બેંચની રચના
કરવા બાબતની માહિતી મેળવવા RTI હેઠળ અરજી કરી

સુપ્રીમકોર્ટમાં આજે જજ એ.કે.સિકરીની આગેવાની હેઠળની બેંચ સમક્ષ સીજેઆઈ મહાભિયોગ બાબત અરજીની સુનાવણી વખતે અરજદાર કપિલ સિબ્બલે અરજી પાછી ખેંચી હતી. વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે આરટીઆઈ હેઠળ અરજી દાખલ કરી જજ સિકરીની બેંચની રચના સંદર્ભે માહિતી માંગી છે. સુપ્રીમકોર્ટે સુનાવણી સમયે કપિલ સિબ્બલની આ જ પ્રકારની માગણીનો ઈન્કાર કર્યો હતો. ભૂષણે અરજીમાં જણાવ્યું છે કે, જજ સિકરીની બેંચની રચના વહીવટી આદેશ દ્વારા કરાઈ હતી અથવા અન્ય રીતે જો વહીવટી આદેશ હતો તે આદેશ કોણે કર્યો હતો ? ભૂષણે આદેશની નકલની પણ માગણી કરી છે જેથી એનું અભ્યાસ કરી શકે. સિબ્બલે અરજી પાછી ખેંચતા કોર્ટે જાહેરાત કરી અરજીને પાછી ખેંચાઈ છે એથી અરજીને રદ કરવામાં આવે છે. સિબ્બલે બેંચની રચનાના આદેશની નકલ માંગી હતી જે કોર્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો.