(એજન્સી) નવી દિલ્હી,તા.૧૫
પોતાના કાર્યાકાળના અંતિમ દિવસે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ ફક્ત થોડા જ સમય માટે પોતાના કાર્યાલયમાં બેઠા પરંપરા અનુસાર સીજેઆઈ ગોગોઈ પોતાના ઉત્તરાધિકારી જસ્ટિસ એસ. એ. બોબડેની સાથે કોર્ટ રૂમમાં બેસ્યા, આ દરમિયાન તેમણે ફક્ત ત્રણ મિનિટમાં જ દસ કેસમાં નોટિસ જાહેર કરી. ૧૭ નવેમ્બરની રોજ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના કાર્યકાળનો અંતિમ દિવસ છે.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ જ્યારે ૧૦.૩૦ વાગ્યે કોર્ટરૂમ પહોંચ્યા ત્યારે રૂમ ખચોખચ ભરેલો હતો. ગોગોઈને આ દરમિયાન કેટલાક પત્રકારોએ ઈન્ટરવ્યૂ આપવા માટેની અપીલ કરી હતી પરંતુ તેમણે પત્રકારો સાથે વાત કરવાની ના પાડી દીધી હતી. બાર એસોશિએશન તરફથી યોજાયેલા ફેરવેલ ફંક્શનમાં ચીફ જસ્ટિસ સંબોધન નહીં કરે.
જસ્ટિસ ગોગોઈએ ન્યાયપાલિકાની સ્વતંત્રતા અને જજોની આઝાદીને લઈને કહ્યું હતું કે, જજોએ મૌન રહીને પોતાની સ્વતંત્રતાનો ઉપયોગ કરવો જોઈએ.
જસ્ટિસ ગોગોઈ તરફથી આપવામાં આવેલી નોટમાં કહેવામાં આવ્યું હતું કે, વકીલોને બોલવાની સ્વતંત્રતા છે અને હોવી પણ જોઈએ. બેંચના જજોને સ્વતંત્રતાનો ઉપયોગ મૌન રહીને કરવો જોઈએ. જજોને પોતાની આઝાદી ટકાવી રાખવા માટે મૌન રહેવુ જોઈએ. તેનો અર્થ એ નથી કે તેમણે ચુપ રહેવુ જોઈએ, પણ જજોને પોતાના કર્ત્વવ્યનું વહન કરવા માટે જ બોલવુ જોઈએ. આ શિવાય તેમણે મૌન રહેવુ જોઈએ.
૧૮ નવેમ્બરના રોજ જસ્ટિસ બોબડે નવા ચીફ જસ્ટિસ તરીકે શપથ ગ્રહણ કરશે. સુપ્રીમ કોર્ટ બાર એસોશિએશનના અધ્યક્ષ રાકેશ ખન્નાએ બધા વતી જસ્ટિસ ગોગોઈનો આભાર વ્યક્ત કર્યો અને તેમના આગામી જીવન માટે શુભેચ્છાઓ પાઠવી.
ત્યારબાદ જસ્ટિસ ગોગોઈએ તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો, રૂમમાં હાજર તમામ લોકો સામે હાથ જોડીને તેમણે વિદાય લીધી. જ્યારે તેમણે ચીફ જસ્ટિસ તરીકેનો કાર્યભાળ સંભાળ્યો હતો ત્યારે પણ તેઓએ રાજઘાટ આવીને ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી હતી.