(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૮
નવસારી જિલ્લાના ગણદેવી મામલતદાર કચેરીએ હિસાબી ક્લાર્ક જમીનના ૭/૧૨ના ઉતારામાં સુધારા માટે ૫ હજારની લાંચ લેતા એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાયો હતો. મામલતદાર કચેરીએ એસીબીની કાર્યવાહી બાદ અન્ય કર્મચારીઓમાં ગભરાટ વ્યાપ્યો હતો.ગણદેવી તાલુકાના દેવસર ગામે વર્ષ ૨૦૦૪માં ફરિયાદીના પત્ની અને બે ભાઈઓના નામે જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી. જે તે સમયે જમીનના કાગળો ૭/૧૨ના ઉતારામાં એક ભાઈનું નામ નોંધાયેલ ન હોવાથી ફરિયાદીએ જે નામ નોંધવા માટે ગણદેવી મામલતદાર કચેરીએ અરજી કરી હતી. જેમાં મામલતદાર કચેરીએ ફરજ બજાવતા હિસાબી કર્મચારી નિલેશકુમાર ખીમજીભાઈ સોસાએ રૂા.૧૫ હજારની લાંચની માગણી કરી હતી. આ બાબતે ફરિયાદી અને કર્મચારી વચ્ચે રકઝક થઈ હતી. જે બાદ જમીનના ૭/૧૨ના ઉતારામાં સુધારાના કામ માટે રૂા.૫ હજાર નક્કી થયા હતા. ફરિયાદી કાયદેસરના કામ માટે ૫ હજાર જેવી રકમ આપવા માંગતા ન હોવાથી નવસારી એસીબીનો સંપર્ક કર્યો હતો. આ ફરિયાદ બાદ સુરત એસીબીના મદદનીશ નિયામક એન.પી. ગોહિલના માર્ગદર્શન હેઠળ નવસારી એસીબી પીઆઈ એ.વાય.પટેલે છટકું ગોઠવાયું હતું. તેમણે ફરિયાદી પાસે રૂા.૫ હજાર સ્વીકારતા ગણદેવી મામલતદાર કચેરીના હિસાબી ક્લાર્ક નિલેશકુમાર સોસાને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. એસીબીએ નિલેશકુમાર ખીમજીભાઈ સોસા (રહે. સરકારી વસાહત, જુનાથાણા, નવસારી, મૂળ રહે. બી-૬૭, શાંતિકુંજ સોસાયટી, અડાજણ, સુરત)ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગણદેવી મામલતદાર કચેરીનો હિસાબી કલાર્ક પ હજારની લાંચ લેતાં ઝડપાયો

Recent Comments