(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૬
ગુજરાતની ભાજપ સરકારમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો એકરાર ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરતાં અનેક પ્રશ્નો સાથે આશ્ચર્ય સર્જાવા પામ્યું છે. એટલું જ નહીં અગાઉની કોંગ્રેસની સરકારોની સાથે તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સરકાર પણ તેમાં આવી જતાં અને તે બધી સરકારોમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનું જણાવતાં ભાજપમાં આંતરિક વિખવાદ અને વિવાદ વકરે તેવી શક્યતા પણ જોવાઈ રહી છે. મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના મહેસૂલ અને ગૃહ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થતો હોવાનું જણાવતાં રાજકીય માહોલ પણ ગરમાયો છે.
ગુજરાત રાજ્યમાં ભાજપ સરકારમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો સ્વીકાર કરતાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે, સૌથી વધારે ભ્રષ્ટાચાર મહેસૂલ વિભાગમાં થતો હતો તે પછીના ક્રમે ગૃહ ખાતું આવે છે તેની સામે સ્પષ્ટતા કરતાં મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું કે, મહેસૂલ વિભાગમાં છેલ્લા એક વર્ષથી ભ્રષ્ટાચાર બંધ થઈ ગયો છે. પરંતુ મેં આ વિભાગ સંભાળ્યો તે પહેલાં મહેસૂલ વિભાગમાં પૈસા વગર કોઈ કામ થતું ન હતું. મુખ્યમંંત્રી અને મહેસૂલ મંત્રીની આ વાત પરથી આડકતરી રીતે પૂર્વ મુખ્યમંત્રી અને મહેસૂલમંત્રીની આ વાત પરથી આડકતરી રીતે પૂર્વ મુખ્યમંત્રી અને અત્યારે મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના સમયમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું સ્પષ્ટ થવા સાથે ખુદ ભાજપના જ અગ્રણીઓ દ્વારા આ પ્રકારે અગાઉની પોતાની સરકાર સામે આ પ્રકારનું નિવેદન અપાતા આશ્ચર્ય સર્જાયું છે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરકારમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો ખુલાસો કરતાં રાજકીય ચકચાર મચી જવા પામી છે. વિજય રૂપાણીએ ભારે અચરજ મચી જવા પામી છે. વિજય રૂપાણીએ ભારે અચરજ જગાવતા કહ્યું કે, ર૦-રપ વર્ષ પહેલાં સરકારી કચેરીમાં કોઈનું કામ પૂરું થઈ જતાં કર્મચારી કે અધિકારીને પૈસા-ભેટ આપવામાં આવે તો તે સ્પષ્ટ ઈન્કાર કરી દેતો હતો અને કર્મચારીઓ કહેતા કે અમારે કે અમારા પરિવારે ભ્રષ્ટાચારથી જાત અભડાવવી નથી. અમદાવાદમાં યોજાયેલા એક લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા અઢી વર્ષમાં રાજ્ય સરકારે દૃઢ સંકલ્પ સાથે ભ્રષ્ટાચાર ડામવા વિવિધ પગલાં લીધા છે. જ્યારે આ અગાઉની સરકારોએ ભ્રષ્ટાચાર સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ર૦ વર્ષથી ગુજરાતમાં ભાજપની જ સરકાર છે અને આનંદીબેન પટેલ અગાઉની સરકારમાં મહેસૂલ મંત્રી હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ક્યાં ભ્રષ્ટાચાર થાય છે તે આખી દુનિયા જાણે છે. તેમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર મહેસૂલ વિભાગમાં અને ગૃહ વિભાગમાં થાય છે. જિલ્લા પંચાયતોમાં જમીન એનએમાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, જિલ્લા પંચાયતોમાં હવે એનએ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે. આથી કેટલાક જિલ્લા પંચાયતોના શાસકો કહેવા લાગ્યા કે અમારી સત્તા છીનવી લેવામાં આવી. તેના પર માર્મિક કટાક્ષ કરતાં સીએમએ કહ્યું કે, તેનાથી ભ્રષ્ટાચારીઓની દુકાનો બંધ થઈ જશે.
આ દરમ્યાન મુદ્દે રાજ્ય મહેસૂલ મંત્રી કૌશિક પટેલે બચાવ કરતાં જણાવ્યું હતું મહેસૂલ વિભાગમાં પોતે ચાર્જ સંભાળ્યો ત્યારથી ભ્રષ્ટાચાર બંધ થઈ ગયો છે. આ અગાઉ એક વર્ષ પહેલાં મહેસૂલ વિભાગમાં પૈસા આપ્યા વિના કોઈ જ કામ થતું નહોતું. આ સમારોહમાં મુખ્યમંંત્રી તેમજ મહેસૂલ મંત્રીના ભ્રષ્ટાચાર અંગેના આવા વકતવ્યથી ભારે રાજકીય વિવાદ સર્જાઈ શકે છે કારણ કે આ પહેલાં આનંદીબેન પટેલની સરકાર હતી જેમાં તેમની પુત્રી અનાર પટેલ પર જમીન કૌભાંડના આક્ષેપો પણ થયેલ છે.

યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ
દ્વારા ભ્રષ્ટાચારની કબૂલાત !

ગુજરાત રાજ્યના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના કામોમાં ભ્રષ્ટાચારની ફરિયાદ ઊઠી છે. ભાવનગરના તળાજાના સાંઈ-શનિદેવ મંદિરના ટ્રસ્ટીઓએ મંદિરના વિકાસ કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો એમએલએ-સાંસદને પત્ર લખ્યો છ અને ઉકેલ ન આવે તો ગાંધીનગરમાં ધરણાં કરવાની ચીમકી પણ ઉચ્ચારી હોવાનું જાણવા મળેલ છે. પાવાગઢમાં રૂા.૧૦૦ કરોડના ખર્ચે ચાલતા કામમાં પણ ભ્રષ્ટાચારની ફરિયાદ છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવની કથિત ઓડિયો ક્લીપ પણ વાયરલ થઇ છે. આ ઓડિયોમાં યાત્રાધામ વિકાસ બોર્ડના કામમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાની સચિવની કબૂલાત સાંભળવા મળે છે. ભ્રષ્ટાચારના કામમાં તમામ ચોર હોવાનો પણ ઓડિયોમાં ઉલ્લેખ કરાયેલ છે. આ ઓડિયોને લઈ ચર્ચાઓ શરૂ થઈ જવા પામી છે.