(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.૧૦
કોંગ્રેસ પક્ષ દ્વારા પેટ્રોલ-ડીઝલ સહિતના ભાવધારા મામલે ગુજરાત સહિત ભારતમાં આપેલા બંધ દરમ્યાન રાજયમાં વિવિધ જગ્યાઓ પર હિંસક ઘટનાઓ બનતા વાતાવરણ થોડુંક તંગ બન્યું હતું. પથ્થરમારો, લાઠીચાર્જ, ટાયર સળગાવી દેવા સહિતના હિંસક બનાવોને લઈ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે મંત્રીઓ સાથે બેઠક યોજી, વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી જેમાં હાર્દિક પટેલના ઉપવાસનો મુદ્દો પણ સામેલ હતો. ગુજરાતમાં કોંગ્રેસે આપેલા બંધને લઈને આજે સવારથી જ પ્રજાજનોની ઉત્કંઠા વચ્ચે કેટલાક વિસ્તારોમાં સ્વયંભૂ તો અન્ય વિસ્તારોમાં કાર્યકરો દ્વારા બજારો વગેરે બંધ કરાવવામાં આવ્યા હતા. જેમાં હાઈવે ચક્કાજામ સહિતના બનાવોમાં કેટલાક સ્થળે ટાયરો સળગાવવાના તથા પથ્થરો મારવાના અને પોલીસ દ્વારા લાઠીચાર્જના બનાવોને લઈ હિંસક વાતાવરણ ઉભું થવા પામ્યું હતું. જો કે પોલીસ દ્વારા સ્થિતિ કાબુમાં લેવામાં આવી હતી. દરમ્યાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયની વર્તમાન સ્થિતિને લઈને કેબીનેટ મંત્રી સૌરભ પટેલ તથા ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજયની વર્તમાન રાજકીય પરિસ્થિતિ બંધને લઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ પાટીદાર અગ્રણી હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન વગેરે મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હોવાની વિગતો સરકારી સૂત્રો દ્વારા પ્રાપ્ત થવા પામી છે.