(એજન્સી) હરિયાણા, તા.ર
મોદી સરકારની નીતિઓથી નાખુશ દેશભરના ‘અન્ન દાતા’ પોતાની વિવિધ માગણીઓને લઈને ૧લી જૂનથી ૧૦ દિવસની હડતાળ પર ઊતર્યા છે અને પોતાના દૂધ, ફળો, શાકભાજીના જથ્થાને નષ્ટ કરી ઉગ્ર વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે કેન્દ્ર અને રાજ્યની સરકારો દ્વારા ખેડૂત સંતુષ્ટ છે અને ફળો-શાકભાજીનું વેચાણ ન કરીને પોતાનું જ નુકસાન કરી રહ્યા હોવાના નિવેદનો કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી કૃષ્ણરાજના જણાવ્યા અનુસાર ખેડૂતોની આવક દોઢ ગણી વધી ગઈ છે. ખેડૂતો સંપૂર્ણપણે સંતુષ્ટ છે. કૃષ્ણરાજે કહ્યું કે કેટલાક લોકો કાવતરા હેઠળ વિરોધ કરી રહ્યા છે. એમને ઉશ્કેરવામાં આવ્યા છે. એમણે કહ્યું કે ખેડૂતોની જે નાની-મોટી સમસ્યાઓને સતત દૂર કરવા એમની સરકાર પ્રયત્ન કરે છે. મંત્રીએ કહ્યું કે ખેડૂતોની આવક અને ઉપજમાં સતત વધારો થયો છે.
હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે હડતાળની કોઈ અસર નથી અને ન તો કોઈ મુદ્દો છે. ખટ્ટરે કહ્યું કે જો ખેડૂતો દૂધ-શાકભાજી નહીં વેચે તો પોતાનું જ નુકસાન કરશે. મધ્યપ્રદેના કૃષિમંત્રી બાલકૃષ્ણ પાટીદારે કહ્યું કે ખેડૂતો એમપી સરકારની ખેતી વિષયક યોજનાઓથી ખુશ છે. સીએમએ ખેડૂતો માટે જે યોજનાઓ અમલમાં મૂકી છે. એનાથી ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારો પર એવો ભરોસો છે કે એમના પ્રશ્નોનું નિરાકરણ થઈ જશે.