(એજન્સી) કોલકાતા, તા.રર
પશ્ચિમ બંગાળના આસનસોલમાં કોમી હિંસામાં પોતાના યુવાન પુત્રને ગુમાવી દેનાર મૌલાના ઈમામ ઈમદાદુલ રાશિદીની શાંતિ અપીલથી પ્રભાવિત થઈ એમની પ્રતિબદ્ધતા અને મનોબળની કદર કરતા મુખ્યમંત્રી મમતા બેનરજીએ ‘બંગભૂષણ’ પુરસ્કારથી સન્માનિત કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ પવિત્ર રમઝાન માસને પગલે મૌલાના એવોર્ડ સ્વીકારવા જઈ શક્યા નથી. ઉલ્લેખનીય છે કે આસનસોલ હિંસામાં મૌલાના રાશિદીએ તેમના એકમાત્ર યુવાન પુત્ર સિબગતુલ્લાહ રાશિદીને ગુમાવ્યો હતો. આ બનાવને પગલે મોટાપાયે હિંસા ફેલાઈ શકી હોત પરંતુ ઈમામ રાશિદીએ લોકોને અપીલ કરતા કહ્યું હતું કે જો એમને કારણે હિંસા ભડકશે તો તેઓ શહેર છોડીને ચાલ્યા જશે. તેમણે લોકોને શાંતિ જાળવવા અને બદલો નહીં લેવા અપીલ કરી હતી અને કહ્યું હતું કે, હું નથી ઈચ્છતો કે મારી જેમ અન્ય કોઈપણ એમના વહાલસોયાને ગુમાવે. તેમની આ પ્રતિબદ્ધતા અને મજબૂત મનોબળની સરાહના કરતા મુખ્યમંત્રી બેનરજીએ બંગભૂષણ એવોર્ડથી સન્માનિત કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ પવિત્ર રમઝાન માસમાં યાત્રા કરવા અસમર્થ હોવાથી મૌલાના ઈમામ રાશિદી પશ્ચિમ બંગાળ સરકારનો ‘બંગભૂષણ’ એવોર્ડ સ્વીકાર કરવા જઈ શક્યા નથી.