(સંવાદદાતા દ્વારા) બોડેલી,તા.રપ
છોટા ઉદેપુર જિલ્લામાં નાના-મોટા અનેક ગામોમાં પાણી માટે લોકો વલખાં મારી રહ્યા છે. ત્યારે બોડેલી ખાતે મુખ્યમંત્રીના હેલીપેડ માટે છેલ્લા ત્રણ દિવસથી ટેન્કરો મારફતે લાખો લિટર પાણીનો છંટકાવ કરી વેડફાઈ રહ્યું છે.
છોટા ઉદેપુર જિલ્લાના જળ સંચય કાર્યક્રમ અંતગર્ત બોડેલી બજાર સમિતિમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં રાજ્યના મુખ્ય મંત્રી બોડેલી તાલુકાનું અલીખેરવા ગામ તળાવનું નિરિક્ષણ કરવાના છે અને બજાર સમિતિમાં સભા ભરવાના છે. જેને બોડેલી બજાર સમિતિમાં આવેલ હેલીપેડથી ચારેય તરફ માટી પર છેલ્લાં ત્રણ દિવસથી ટેન્કરો દ્વારા લાખો લિટર પાણી છાંટવામાં આવી રહ્યું છે. એક તરફ સરકાર પાણી બચાવના નારા લગાવી રહી છે અને બીજી તરફ લાખો લિટર પાણી વેડફી રહી છે. છોટા ઉદેપુર જિલ્લામાં ઘણા એવા ગામો છે જ્યાં વાપરવાનું પાણી તો ઠીક પણ પીવાના પાણી માટે પણ દિવસભર તપાસ કરવી પડે છે અને તેવા તંત્ર પાસે લાખો લિટર પાણી વેડફાવાનો સમય છે.