ભૂજ,તા.૧૮
કચ્છના લડાયક નેતા અને કોંગ્રેસ અગ્રણી આદમભાઈ ચાકી વિરૂદ્ધ એક જમીન પ્રકરણમાં તપાસ કરવા થયેલી નનામી અરજી ઉપરથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતશાહના કાર્યાલયમાં આદમભાઈ વિરૂદ્ધ તપાસ કરવા કચ્છ કલેક્ટરને ભલામણ કરવામાં આવતા આદમભાઈ ચાકીએ વધુ એક કાનુની લડત ચલાવવા રાજ્ય સરકાર સામે બાંયો ચડાવી છે.
આદમભાઈ ચાકીએ થોડા મહિનાઓ અગાઉ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનોમાં બી.પી.એલ.કાર્ડની બોગસ સંખ્યા સામે તપાસ કરી આ પ્રકરણને ખુલ્લુ પાડ્યું હતું. જેમાં કચ્છ ભાજપના કેટલાક નેતાઓ સુધી રેલો પહોંચ્યો હતો. જે વખતે પણ આદમભાઈ ચાકી ઉપર જીવનું જોખમ હોવાની ભીતિ વ્યક્ત થઈ હતી. હવે કોર્ટ હસ્તક રહેલા એક જમીન પ્રકરણમાં આદમભાઈની સંડોવણી હોવાથી તેમની વિરૂદ્ધ પગલાં ભરવાની માંગ સાથે એક નનામી અરજી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ગુજરતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ પહોંચી ઉપરથી જ આદમભાઈ વિરૂદ્ધ પગલાં ભર્યા અમિતશાહને અંગત મદદનીશે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભલામણ કરી અને મુખ્યમંત્રીના અંગત મદદનીશ દ્વારા આ ભલામણના સંદર્ભમા તપાસ કરવા કચ્છના કલેક્ટરને પણ લેખિત પત્ર પાઠવી દીધો છે. આદમભાઈ ચાકી દ્વારા આર.ટી.આઈ. કાયદા હેઠળ મુખ્યમંત્રીની કચેરીના આ પત્રની નકલ માગી તેને સાર્વજનિક કરી દઈ પોતાની વિરૂદ્ધ રાજકીય દ્વેષપૂર્ણ આ કાર્યવાહીને ખુલ્લી પાડી છે. પત્રમાં ચાકી વિરૂદ્ધ થયેલ શબ્દપ્રયોગ સામે પણ બદનક્ષીનો દાવો અને ખોટું કાવતરૂં ઊભું કરવાના ષડયંત્ર સબબ કાયદેસરની કાર્યવાહી કરવા રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં જણાવ્યું છે.
નોંધનીય છે કે આદમ ચાકી કચ્છમાં સરકાર અને અદાણી જૂથ વિરૂદ્ધ સરકારી હોસ્પિટલ મામલે લાંબી લડત ચલાવી ચુક્યા છે.