(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૪
સુરત જિલ્લા પંચાયત સભ્ય દર્શન નાયકે મુખ્યમંત્રી તથા પાણી પુરવઠા મંત્રીને આવેદન પત્ર પાઠવી સુરત જિલ્લાના ૯ તાલુકાઓમાં પીવાના પાણીની સમસ્યા અંગે હેન્ડ પંપ માટે વધુ ગ્રાન્ટ ફાળવવાની માંગ કરી છે. આવેદન પત્રમાં જણાવાયું છે કે, સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતના ભૂતકાળમાં પુષ્કળ પાણીનો પુરવઠો મળી રહે છે અને સુરત જિલ્લાના જનરલ અને આદિવાસી લોકો માટે દુરના ગરીબ ગામડાઓમાં પાણી પુરવઠા મંત્રી દ્વારા બોર વીથ હેન્ડ પંપની સુવિધા ઉભી કરવામાં આવે છે. એ માટે ગ્રામ પંચાયતના સરપંચ કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત યા તો ધારાસભ્ય કે સંસદ સભ્ય દ્વારા આવા બોરવીથ હેન્ડપંપની ભલામણ કરવામાં આવે છે. સુરત જિલ્લામાં મોટો વિસ્તાર ગરીબ આદિવાસી વિસ્તાર છે. નાના નાના ગામડાઓમાં વહેચાયેલો છે. તેમને આ બોર વીથ હેન્ડપંપ આશીર્વાદ રૂપ બન્યા છે. આ હેન્ડપંપથી જ તેઓ પીવાનું પાણી મેળવે છે. ભર ઉનાળે પણ તેમને ટેન્કરની જરૂરત પડતી નથી. સામાન્ય રીતે પીવાના પાણીની ખાસ સમસ્યા રહેતી નથી. પરંતુ આ વર્ષની ઉગ્ર ગરમીને કારણે પીવાના પાણીની થોડી સમસ્યા સર્જાઈ છે. તેથી ખેડૂતો અને ગ્રામજનોએ કાર્યપાલક ઈજનેરને આવેદનપત્ર આપી નવા બોર વીથ હેન્ડપંપ બનાવવા વિનંતી કરવામાં આવી છે. એ માટે સને ૨૦૧૮-૧૯માં આશરે એક હજાર જેટલી માંગણીઓની ભલામણ પણ આવી હતી. પરંતુ સુરત જિલ્લાના નવ તાલુકાઓ માટે સને ૨૦૧૮-૧૯ના વર્ષ માટે સરકાર તરફથી એક પણ રૂપિયો ફાળવવામાં આવ્યો નથી તો આ આવેલ અરજીઓનું શું થશે ?આ અંગે તાત્કાલિક અસરથી જાગવાઈ કરીને જનરલ અને આદિવાસી ગામડાના લોકોના હિતમાં તાત્કાલિક અસરથી ગ્રાંટ ફાળવવા માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.