અમદાવાદ,તા.ર૮
ગુજરાતના મુખ્યમંત્રી ઈઝરાયેલના પ્રવાસે ગયા છે. ત્યારે રાજ્યમાં મુખ્યમંત્રીનો ચાર્જ સોંપ્યા વિના રૂપાણી ઈઝરાયેલ ગયા છે. ત્યારે ગુજરાતમાં કંઈક નવાજૂની થાય તેવી શક્યતા છે. કેમ કે વડોદરાના ભાજપના ત્રણ ધારાસભ્યોએ સરકારમાં કોઈ તેમનું સાંભળતું ન હોવાનો આક્ષેપ કરી નારાજગી વ્યક્ત કરી છે. ત્યારે આ મામલે પાટીદાર આંદોલનના નેતા હાર્દિકે ભવિષ્યવાણી કરી છે કે વિજય રૂપાણીની ગેરહાજરીમાં નારાજ ધારાસભ્યો નવા જૂની કરી શકે છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ગુરૂવારે અરવલ્લીના તેનપુર ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં હાર્દીકે ૩૦ ગામના પ્રમુખો સાથે અનામત, ખેડૂતોના પ્રશ્નો, શહીદ પાટીદાર યુવાનોને ન્યાય અપાવવાના મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા કરી હતી. ત્યારબાદ હાર્દિક પટેલે, ભાજપના નારાજ ધારાસભ્યો મુદ્દે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે કેશુભાઈ પટેલ જ્યારે વિદેશ પ્રવાસે ગયા હતા ત્યારે શંકરસિંહ વાઘેલાએ ખજુરાહ કાંડ કર્યો હતો. ત્યારે આ વખતે વિજય રૂપાણી, હાલ ૬ દિવસના ઈઝરાયેલના પ્રવાસે ગયા છે. ત્યારે તેમની ગેરહાજરીમાં ભાજપના નારાજ ધારાસભ્યો કંઈક નવા જૂની કરી શકે છે અને હાર્દિકે જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે થોડા સમય પહેલાં જ હાર્દિકે વિવાદિત નિવેદન આપ્યું હતું કે વિજય રૂપાણી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી ચૂક્યા છે. આ નિવેદન બાદ ફરી એકવાર હાર્દિકે વિવાદિત નિવેદન આપ્યું છે કે મુખ્યમંત્રી રૂપાણીની ગેરહાજરીમાં નારાજ ધારાસભ્યો કંઈક નવા જૂની કરી શકે છે ત્યારે હાર્દિકના વિવાદિત નિવેદનને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. હાલ ભાજપમાં નારાજ ધારાસભ્યોના મામલે ભડકો થયો છે ત્યોર હાર્દિકે આવું વિવાદિત નિવેદન આપીને બળતામાં ઘી નાખવાનું કામ કર્યું છે.