(એજન્સી) તા.૩૦
ગોવાના ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડે શ્રેણીબદ્ધ કરોડો રુપિયાના પ્રોજેક્ટની ચર્ચા કરવા માટે મંગળવારે યોજાયેલી મહત્વની બેઠક માટે એજન્ડા તૈયાર કર્યો ત્યારે કોંગ્રેસે એવી માગણી કરી હતી કે સરકારે આ બેઠકમાં મનોહર પાર્રિકર હાજરી આપી રહ્યા છે એવા દ્રશ્ય પુરાવા પૂરા પાડવા જોઇએ. આ પ્રોજેક્ટમાં કાયદા અનુસાર મુખ્ય પ્રધાન અને કેબિનેટની મંજૂરી જરુરી છે જે માટે ૩૧ ઓક્ટો.ના રોજ બેઠક મળનાર છે. વિરોધ પક્ષોએે એવી પણ માગણી કરી છે કે માર્ચ ૨૦૧૮થી મુખ્ય પ્રધાન તરીકે તેમના તમામ પગલાંમાં પાર્રિકરની સહીઓની ફોરેન્સિક ચકાસણી કરવામાં આવે. નાદુસ્ત તબિયતને કારણે પાર્રિકરે ૨૦૧૭માં કાર્યભાર સંભાળ્યા બાદ લગભગ તેઓ કાર્યાલયથી દૂર રહ્યા છે.
ખાસ કરીને ૫ માર્ચે કે જ્યારે તેઓ સ્વાદુપિંડના કેન્સરની સારવાર લેવા અમેરિકા ગયા ત્યારથી મુખ્યપ્રધાને ભાગ્યે જ કોઇ કામગીરી બજાવી છે. અમારું માનવું છે કે ખાસ ફરજ પરના અધિકારી દ્વારા બેઠક બોલાવવામાં આવે છે અને કેબિનેટ પ્રધાનો સાથે બેઠક કરીને જે નિર્ણયો લેવામાં આવે છે તે મૂળભૂત રીતે ગેરકાયદેસર છે એવું કોંગ્રેસના પ્રવક્તા જીતેન્દ્ર દેશપ્રભુએ પોતાની માગણી અંગે ખુલાસો કરતા જણાવ્યું હતું.
ગોવા પ્રદેશ કોંગ્રેસના વડાએ પણ એવો આક્ષેપ કર્યો છે કે કેટલાક અધિકારીઓ મુખ્ય પ્રધાનને નજરકેદ હેઠળ રાખી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાનના કાર્યાલયના અધિકારીઓ પાર્રિકરની મૌખિક સૂચનાઓ મંજૂરીના આદેશ તરીકે પાસઓન કરે છે. કોંગ્રેસે જણાવ્યું હતું કે અમે ગત સપ્તાહે મુખ્ય પ્રધાન સાથે રુબરુ કે વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા બેઠકની માગણી કરી હતી પરંતુ અમારી માગણી ફગાવી દેવામાં આવી હતી.
દરમિયાન મહિનાઓ સુધી રહસ્ય રાખ્યા બાદ શનિવારે ગોવાના આરોગ્ય પ્રધાન વિશ્વજીત રાણેએ કબૂલાત કરી હતી કે પાર્રિકર સ્વાદુપિંડના કેન્સરથી પિડાઇ રહ્યા છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાર્રિકરને હવે તેમના પરિવાર સાથે સમય ગુજારવા માટે મંજૂરી આપવી જોઇએ. રાણેની આ કબૂલાતની પ્રતિક્રિયા આપતા દેશપ્રભુએ એવો આક્ષેપ કર્યો હતો કે સરકાર મુખ્ય પ્રધાનની સ્થિતિ અને તેમની માંદગીના સ્વરુપ અંગે નિયમિત બુલેટીન આપવાનો ઇન્કાર કરીને માર્ચ ૨૦૧૮થી લોકોને મૂર્ખ બનાવી રહી છે.

મનોહર પાર્રિકરનું ઘર હોસ્પિટલમાં ફેરવાયું, કોંગ્રેસી નેતાએ નિધનની આશંકા વ્યક્ત કરતા ભાજપ લાલચોળ

(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
કોંગ્રેસે સોમવારે ગોવાના મુખ્યમંત્રી મનોહર પાર્રિકર જીવિત નહીં હોવાની શક્યતા દર્શાવતું નિવેદન કરતા ભારતીય જનતા પાર્ટીએ આરંભથી આરોપને નકારી કાઢ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા દેશપ્રભુએ કહ્યું કે, અમે ધ્યાનમાં લીધું છે કે, આદરણીય મુખ્યમંત્રી સંભવતઃ જીવતા નથી. અહેવાલ મુજબ પાર્રિકર દિલ્હીના અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થામાંથી ૧૪ ઓક્ટોબરે ગયા પછીથી એકવાર પણ સાર્વજનિક રીતે જોવા મળ્યા નથી. કોંગ્રેસે એવો આરોપ મૂક્યો કે, મુખ્યમંત્રીની આસપાસ રહેતા અધિકારીઓનો એક સમૂહ એમની ગેરહાજરીમાં ગેરકાયદે નિર્ણયો લઈ રહ્યા છે. દેશપ્રભુએ જણાવ્યું કે, બીજેપી અને તેના નેતૃત્વવાળા ગઠબંધને ગોવાવાસીઓ સમક્ષ પાર્રિકર જીવિત હોવાનું પુરવાર કરવું જોઈએ. કોંગ્રેસ નેતાએ મીડિયા પર પણ આરોપ મૂક્યો કે, પાર્રિકરની બીમારીની ગંભીરતાને ઓછી દેખાડવા પ્રયત્ન કર્યો છે. કોંગ્રેસના આ નિવેદનને ભાજપ ગોવા એકમના મહાસચિવ સદાનંદ શેર તનાવડે કહ્યું કે, દેશપ્રભુની આવી નિવેદનબાજીથી કોંગ્રેસ હતાશામાં હોવાનું સ્પષ્ટ જણાય છે. મનોહર પાર્રિકરને ખરાબ તબિયતને કારણે એમના નિવાસસ્થાનને હોસ્પિટલમાં ફેરવી દીધું છે.