અમદાવાદ,તા. ૨૮
પાસના નેતા હાર્દિક પટેલને કોંગ્રેસનો એજન્ટ ગણાવી કોંગ્રસ માટે પ્રચાર કરવા પડકાર ફેંકનાર રાજયના નાયબ મુખ્યમંત્રીના નિવેદનને લઇ કોંગ્રેસે પણ તીખી પ્રતિક્રિયા આપી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતાએ નીતિન પટેલના નિવેદનને વખોડતાં જણાવ્યું હતું કે, નીતિનભાઇ ખુદ સરકારમાં તેમની ઉપેક્ષાથી વ્યથિત છે, સીએમ પદમાં તેઓ વેતરાઇ જતાં દુઃખી છે અને તેથી હતાશા તથા નિરાશામાં તેઓ આવા નિવેદન કરી રહ્યા છે. જો કે, ગુજરાતની પ્રજા ભાજપનો અસલી ચહેરો ઓળખી ગઇ હોઇ તેણે પરિવર્તનનું મન બનાવી લીધું છે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની તરફેણમાં મતદાન કરી ભાજપના ભ્રષ્ટ અને ગુંડાગીરીના શાસનનો અંત આણશે. તેમણે વધુમાં જણાવ્યું કે, નીતિન પટેલે કોંગ્રેસની ચિંતા કરવાના બદલે પ્રજાના પ્રાણપ્રશ્નો પર ધ્યાન આપવું જોઇએ. ગુજરાતમાં લાખો યુવાનોની બેરોજગારી, રાજયમાં નાના અને મધ્યમ કદના ઉદ્યોગો બંધ પડી ગયા, વિદ્યાર્થીઓને મોંઘુ શિક્ષણ, રાજયમાં ખેડૂતોની વધતી જતી આત્મહત્યાઓ, ખેડૂતોને ખેતપેદાશોના પોષણક્ષણ ભાવો મળતા નથી, મહિલાઓની રાજયમાં વધતી જતી અસુરક્ષા સહિતના મુદ્દાઓ પર ભાજપ અને નાયબ મુખ્યમંત્રી નીતિન જવાબ આપે નહી તો, ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીમાં પ્રજાજનો ભાજપને જવાબ આપશે. તેમણે ઉમેર્યું કે, હાર્દિક પટેલ એક યુવા અને સમાજસેવી નેતા છે કે જેણે ભાજપ સરકારને યુવાનોની બેરોજગારી અને શિક્ષણના અન્યાય સહિતના મુદ્દાઓને પ્રજા સમક્ષ ઉઘાડી પાડી છે. ગુજરાતની પ્રજા સાથે છેતરપીંડી આચરનાર ભાજપ અને તેના નેતાઓને આવા અનાબસનાબ નિવેદનો કરવા સિવાય બીજું કંઇ સૂઝતું નથી પરંતુ ગુજરાતની પ્રજા ભાજપનું આ ગંદુ રાજકારણ સારી રીતે જાણી ગઇ છે અને તેથી ભાજપ આગામી ચૂંટણીમાં પ્રજાનો જવાબ અને કોંગ્રેસ તરફી જનમત સ્વીકારવા તૈયાર રહે.