(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર
વડોદરામાં વરસાદ બાદ ઊભી થયેલી પરિસ્થિતિ પર તંત્ર ચાંપતી નજર રાખી રહ્યું છે, તેમજ બચાવ અને પુનર્વસનની કામગીરી ચલાવવામાં આવી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરીને વડોદરાની પરિસ્થિતિ વિશે તાગ મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આજે સીએમ વિજય રૂપાણીનો જન્મ દિવસ પણ છે. ઁસ્ મોદીએ સીએમ રૂપાણીને જન્મ દિવસની પણ શુભેચ્છા પાઠવી હતી. વડોદરામાં વરસાદ બાદ ઊભી થયેલી પરિસ્થિતિ વિશે મુખ્યમંત્રી રૂપાણી પાસેથી વડાપ્રધાને વિગતો મેળવી હતી. આ ઉપરાંત વડોદરામાં ઊભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ મદદ આપવાની જાહેરાત પણ કરી હતી. આ અંગે સીએમ વિજય રૂપાણીએ ટ્‌વીટ કરીને માહિતી આપી હતી કે, “વડોદરામાં પૂરની સ્થિતિ વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોનમાં લાંબી વાતચીત થઈ છે. મેં તેમને વડોદરાની વર્તમાન પરિસ્થિતિ વિશે તેમજ રાજ્ય સરકારે લીધેલા પગલા વિશે માહિતગાર કર્યા છે.” બીજા એક ટિ્‌વટમાં સીએમ વિજય રૂપાણીએ લખ્યું છે કે, “નરેન્દ્ર મોદીએ વડોદરામાં બચાવ અને પુનર્વસન માટે કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી છે. તેમના માર્ગદર્શન અને મદદ માટે હું તેમનો આભાર માનું છું.”