અમદાવાદ, તા.૧૧
રાજ્યના લોકોને ઝડપી ન્યાય મળી રહે એ માટે કોર્ટને આધુનિક બનાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને રાજ્યના તમામ તાલુકાની કોર્ટની ઇમારત નવી બને એવું આયોજન રાજ્ય સરકારનું છે. જેના ભાગરૂપે રાજકોટ શહેરના મધ્યમાં રહેલી જિલ્લા કોર્ટને ઘંટેશ્વર ખાતે રૂ.૧૦૦ કરોડના ખર્ચે નવું કોર્ટ બિલ્ડિંગ બનાવાશે. તેમજ ગાંધીનગરમાં પણ નવા કોર્ટ બિલ્ડિંગનું આયોજન હાથ ધરવામાં આવશે. એમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે. ગોંડલમાં રૂ. ૪૦ કરોડના ખર્ચથી નિર્માણ પામેલા નવા કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ઝડપી સરળતાથી અને યોગ્ય ન્યાય મળે એ જરૂરી છે. કારણ કે, વિલંબથી મળતો ન્યાય, ન્યાય ન મળવા સમાન છે, એમ અંગ્રેજી કહેવતને ટાંકતા તેમણે કહ્યું હતું.
કાયદાના રાજ અને સુશાસન માટે કોર્ટની મહત્તા આલેખતા જણાવ્યું કે, લોકોને જો ઝડપથી ન્યાય મળે તો તેને સારી વ્યવસ્થા અને સુશાસનનો અહેસાસ થશે અને ત્યારે જ ન્યાયનું રાજ્ય સ્થાપિત થયું હોય એવું લોકોને લાગશે. રૂલ ઓફ લો માટે લોકોને ન્યાય સાથે કાયદા મુજબ કડક સજા થાય એ જરૂરી છે. આ માટે ન્યાયતંત્ર, વહીવટી તંત્ર અને વકીલોના સંકલિત પ્રયાસોની જરૂર છે. હાઇકોર્ટના મુખ્યન્યાય મૂર્તિ આર. સુભાષ રેડ્ડીએ કહ્યું કે, ગુજરાતમાં અન્ય રાજ્યો કરતા કોર્ટમાં ભૌતિક સુવિધાઓ ઘણી સારી છે. કેટલીક તાલુકા કોર્ટની ઇમારતો તો હાઇકોર્ટ જેવી છે.
પડતર કેસોના નિકાલ માટે કોર્ટ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોની વિગતો આપતા તેમણે કહ્યું કે, રાજકોટ જિલ્લામાં પાંચ વર્ષથી પડતર હોય એવા ૬૦૦૦ હજાર જેટલા કેસો છે. જેમાંથી મોટા ભાગના નશાબંધીના, જમીન સંપાદનના, વાહન અકસ્માતના અને બાકીના ફોજદારી કેસો છે. હવે કોર્ટમાં પૂરતી ભૌતિક સુવિધાઓ વધતા લોકોને વધુ ઝડપથી ન્યાય મળશે. ન્યાયિક અધિકારીઓ, કાયદા અધિકારીઓ, વકીલોના સંકલિત પ્રયાસોથી જ લોકોને ઝડપી ન્યાય મળી શકે છે, ખાસ કરીએ નશાબંધીના કેસોના નિકાલ માટે વહીવટી તંત્ર સાથે સંકલનની જરૂર છે.