ભાવનગર,તા.ર૬
ભાવનગર જિલ્લાના ઘોઘા બંદર ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે તા.ર૭/૧૦/ર૦૧૮ને શનિવારે બપોરે ૧ઃ૦૦ કલાકે ઘોઘા-દહેજ રો-પેક્સ ફેરી સેવાનું લોકાર્પણ સમારોહ ઘોઘા રો-પેક્સ ટર્મીનલ ઘોઘા, ભાવનગર ખાતે યોજાશે. આ સમારોહના અતિથિ વિશેષ પદે પ્રદેશ ભાજપ પ્રમુખ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી પરશોત્તમભાઈ સોલંકી, શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે, સાંસદ ભારતીબેન શિયાળ, મેયર મનહરભાઈ મોરી સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાશે. લોકમુખે તેવી પણ ચર્ચા ચાલી રહી છે કે, ઘોઘા-દહેજ રો-પેક્સ ફેરી સેવાનો શુભારંભ સમારંભ યોજાઈ રહ્યો છે, તે માટેના જે આમંત્રીત કાર્ડ વિતરણ થયા છે તેમાં ભાવનગરના પ્રભારીમંત્રી, ભાવનગર જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખો તેમજ ભાવનગર જિલ્લાના ધારાસભ્યોની બાદબાકી થઈ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ભાવનગરના મેયરને મહેમાન બનાવ્યા છે પરંતુ જિલ્લાના પદાધિકારીઓની બાદબાકી થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.