(એજન્સી) ભોપાલ, તા.રપ
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે અમેરિકામાં કહ્યું છે કે મધ્યપ્રદેશના રસ્તાઓ અમેરિકાના રસ્તાઓ કરતાં સારા છે. અમેરિકામાં ભારતીય મૂળના ઉદ્યોગપતિઓનું સંબોધન કરતાં શિવરાજસિંહ ચૌહાણે કહ્યું. અમે રસ્તાઓ બનાવ્યા, રસ્તાઓ પણ એવા મિત્રો, જ્યારે હું અહીંયા વોશિંગ્ટનના એરપોર્ટ પર ઉતર્યો અને રસ્તાઓ પર ચાલીને આવ્યો તો મને લાગ્યું કે મધ્યપ્રદેશના રસ્તાઓ અમેરિકાના રસ્તાઓ કરતાં વધુ સારા છે. હું આ વાત માત્ર કહેવા ખાતર નથી કહેતો. રાજધાની ભોપાલનો વીઆઈપી રોડ ખૂબ જ સારો છે. શિવરાજસિંહ ચૌહાણ જ્યારે મધ્યપ્રદેશના રસ્તાઓની તુલના વોશિંગ્ટનના રસ્તાઓ સાથે કરી રહ્યા હતા. ત્યારે કદાચ તેમને માત્ર વીઆઈપી રોડ જ યાદ રહ્યો હશે. સીએમના આ નિવેદન બાદ લોકો સોશિયલ મીડિયા પર મધ્યપ્રદેશના રસ્તાઓની તસવીરો શેર કરીને પૂછી રહ્યા છે કે શું આ રસ્તાઓની વાત કરી રહ્યા હતા શિવરાજસિંહ ચૌહાણ ? સાથે જ ઘણા લોકોએ સીએમના આ નિવેદન પહેલા પણ ટ્‌વીટર પર ટેગ કરતાં મધ્યપ્રદેશના રસ્તાઓ તરફ તેમનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે. મિલિંદ ગુપ્તેએ મધ્યપ્રદેશના રાષ્ટ્રીય રાજમાર્ગ સંખ્યા ૧રની તસવીર શેર કરતાં પૂછયું, આટલો બકવાસ ક્યાંથી લાવો છો યાર ? સંગીતા શર્માએ વીડિયો શેર કરીને ભવાની મંડીથી ઉજ્જૈનની વચ્ચેના રાજ્યમાર્ગ ર૭ની દુર્દશા દર્શાવી છે. ભારત સરકારના માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયના એક અહેવાલ અનુસાર વર્ષ ર૦૧પમાં માર્ગ અકસ્માતોના કેસમાં મધ્યપ્રદેશનો તામિલનાડુ અને મહારાષ્ટ્ર બાદ ત્રીજો ક્રમ આવે છે. મધ્યપ્રદેશમાં કુલ પ૪,૯૪૭ માર્ગ અકસ્માતો થયા હતા.