(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર
૨૦૨૦માં રાજય સરકાર ૩૪,૦૦૦થી વધુ ખાલી સરકારી પદો પર ભરતી કરશે. તેવી જાહેરાત નવા વર્ષના પ્રારંભે કરતાં મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, અમારી સરકાર રાજયના યુવાઓ માટે કામ કરી રહી છે. યુવા વર્ગ વિદ્યાર્થીઓ મારી સરકારમાં વિશ્વાસ જાળવી રાખશે તેવો વિશ્વાસ છે.
રાજ્યના યુવાનોને નવા વર્ષનો સંદેશ આપતા મુખ્યમંત્રીએ બેરોજગારી અને પારદર્શકતા મુદે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, વિપક્ષો તેમના રાજકીય સ્વાર્થ માટે લોકોને દ્વિધામાં મૂકી રહ્યા છે.
યુવાનો અને વિદ્યાર્થીઓમાં અને કયારેક લોકોમાં અનેક પ્રકારની દ્વીધા સર્જવામાં આવી રહી છે. હું કહેવા માંગુ છું. મારી સરકાર યુવાનોના પરીચયને એળે જવા દેશે નહી. તેઓએ ફેસબુક પર એક વિડીયો મેસેજથી આ મંતવ્ય વ્યક્ત કર્યુ હતું. તેમણે કહ્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં મારી સરકારે ૧.૧૮ લાખ યુવાનોને નોકરી આપી છે અને ચાલુ વર્ષે વધુ ૩૪-૩૫,૦૦૦ નવી નોકરી આપીશું. તેઓએ આક્ષેપ કર્યો કે અગાઉ કોંગ્રેસ સરકાર સમયે સરકારી ભરતી પર પણ પ્રતિબંધ હતો પણ ભાજપ સરકાર સતામાં આવતા જ આ પ્રતિબંધ દૂર કરીને યુવાનો માટે તક સર્જી છે. હાલમાંજ બિનસચિવાલય કલાર્કની પરિક્ષામાં પેપર લીક અને પરિક્ષા રદ થવાની ઘટના પર રૂપાણીએ કહ્યું કે, ટૂંક સમયમાં પુનઃ પરીક્ષા લેવાશે અને તે ફૂલપ્રુફ હશે. કોઈ ગેરરીતિ થવા દેવાશે નહીં. અમો પૂરી પારદર્શકતા સાથે પરિક્ષાઓ યોજી રહ્યા છીએ. અમોને ફરિયાદ મળતા જ યોગ્ય તપાસ બાદ પરિક્ષા રદ કરી હતી અને પેપર લીકમાં સંડોવાયેલા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે અને હવે આ પ્રકારની ગેરરીતિ ન થાય તે રીતે પરિક્ષા યોજી રહ્યા છીએ.