(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.૧પ
લોકસભાની ચૂંટણીનો પ્રચાર એક તરફ જામતો જઈ રહ્યો છે, તો તેની સાથે ભાજપ-કોંગ્રેસ બંને પક્ષો એક બીજાને મ્હાત કરી રાજયની વધુને વધુ બેઠકો હાંસલ કરવા વિવિધ પ્રયાસો સાથે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ પ્રચાર ઝુંબેશ દરમ્યાન કેટલાક સ્થળે પ્રજાનો સાથ ન મળવાના બનાવો પણ બની રહ્યા છે. એટલે કે ચૂંટણીસભાઓની પાંખી હાજરી રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય બન્યો છે. આવી સ્થિતિમાં રાજયની લોકસભાની તમામ ર૬ બેઠકો હાંસલ કરવાનો દાવો કરનાર ભાજપની ચૂંટણી સભામાં પાંખી હાજરી તેમના દાવાની પોકળતા દર્શાવવા સાથે ભાજપની ચિંતામાં વધારો કરી રહી છે. આવું જ કંઈક ખુદ મુખ્યમંત્રી રૂપાણીની આજની જૂનાગઢના વિસાવદરની સભામાં થયું હોવાનું જાણવા મળેલ છે. ખુરશીઓ ખાલી રહેતા આખરે સભા રદ કરાયાની ચર્ચા સામે ભાજપ તરફથી તેનો પાંગળો બચાવ કરાયો છે.
સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે જૂનાગઢના વિસાવદર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. કાર્યક્રમ રદ કરવામાં આવતા એવો ગણગણાટ શરૂ થયો છે કે કાર્યક્રમ સ્થળે મોટી સંખ્યામાં લોકો ન પહોંચતા અને ખુરશીઓ ખાલી રહેતા આ કાર્યક્રમને રદ કરવામાં આવ્યો છે. બીજી તરફ ભાજપે એવો દાવો કર્યો છે કે આજે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કોડીનાર ખાતે હોવાથી તેમની સભામાં સીએમની હાજરી અનિવાર્ય હોવાથી કાર્યક્રમ રદ કરાયો છે. વિસાવદરમાં આયોજીત આ કાર્યક્રમમાં વિજય રૂપાણી અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા હાજર રહેવાના હતા. જો કે કાર્યક્રમ સ્થળે માણસો એકઠા થયા ન હતા અને ખુરશીઓ ખાલી રહેતા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે સીએમ હાજર નહીં રહે તેવી જાહેરાત કરી હતી. કિરીટ પટેલે જણાવ્યું હતું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે બેઠક બોલાવી હોવાથી સીએમ સહિતના લોકોએ ત્યાં હાજરી આપવાની છે. આથી તેઓ બક્ષીપંચના કાર્યક્રમમાં હાજરી આપી શકશે નહીં બીજી તરફ કાર્યક્રમ રદ થતા કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. એક તરફ એવી પણ ચર્ચા થઈ રહી છે કે વિસાવદરમાં ભાજપ અને કોંગ્રેસના એમ બે કાર્યક્રમ હોવાથી ભાજપના કાર્યક્રમમાં સંખ્યા ન થતા પોતાનો કાર્યક્રમ રદ કર્યો છે. જયારે તેની સામે કોંગ્રેસના કાર્યક્રમમાં વિશાળ જનમેદની જોવા મળી હતી. બીજી તરફ ખારવા સમાજ દ્વારા રેલીનો વિરોધ કરી એક પત્ર લખવામાં આવ્યો છે. ખારવા સમાજના પ્રમુખ પ્રેમજીભાઈ ખુલાઈ પત્રમાં લખ્યું છે. કે બાબુભાઈ બોખીરિયા અને ખીમજી રૂપાણી દ્વારા આપણા સમાજનો મુખ્યમંત્રી સમક્ષ વિરોધ કરી આજની રેલી રદ કરવામાં આવી છે. ખારવા સમાજનું અપમાન થતા રેલી કેન્સલ કરવામાં આવી છે. કોઈપણ વ્યકિતએ આજની સુદામાચોકની સભામાં જવું નહીં જો જશે તો ખારવા સમાજનો ગુનેગાર થશે. સૌ કોઈએ પોતાના મચ્છી અને અન્ય દરેક પ્રકારના કામધંધા ચાલુ રાખવા તેમ પત્રમાં અંતે વધુમાં જણાવાયું છે.