(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.૨
આણંદ જિલ્લાનાં ખંભાત ખાતે જન વિકાસ ઝુંબેશ અંતર્ગત રાજયનાં મુખ્યમંત્રીએ આજે લાભાર્થીઓને સહાયનું વિતરણ કર્યું હતું તેમજ વિવિધ વિકાસનાં કામોનું ખાતમુર્હુત કરી લોકાર્પંણ કર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ કે, ખંભાતનો વૈભવ વારસો પુનઃપ્રસ્થાપિત થાય તે માટે ખંભાતના બંદરને પુનઃજિવત કરવા સાથે ખંભાતમાં જી.આઇ.ડી.સી.ની સ્થાપના કરવામાં આવશે તેમજ રાજ્ય સરકારે નાનામાં નાના માણસોના કામોને પ્રાધાન્ય આપી તેને મળવાપાત્ર લાભો સરકારી કચેરીઓના ધક્કા ખાધા સિવાય કોઇપણ જાતના વચેટીયાઓ વગર સીધે સીધા તેમના હાથમાં પહોંચાડી પારદર્શી પ્રશાસનની પ્રતિતિ કરાવી છે. રાજ્યમાં વચેટિયાઓ-દલાલોની દુકાનો પર આ સરકારે ખંભાતી તાળા માર્યા છે. લોકોના નાણાંનો સદઉપોગ થાય અને રાજ્યની તિજોરી પર ભ્રષ્ટાચારનો કાળો પંજો ભરખી ન જાય તે માટે સરકારે ટેકનોલોજીનો વિનીયોગ કરી પારદર્શી પ્રશાસન દ્વારા દરિદ્રનારાયણો અને સમાજના છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચાડ્‌યા છે. તારાપુર અને ખંભાત તાલુકામાં હાથ ધરવામાં આવેલ જનવિકાસ ઝુંબેશ રાજયના અન્ય તાલુકાઓ માટે પ્રેરણારૂપ બની રહેશે તેવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી. જનવિકાસ ઝુંબેશ હેઠળ ખોટો લાભાર્થી લાભ ન લઇ જાય અને સાચો લાભાર્થી લાભથી વંચિત ન રહી જાય તેની પણ પ્રશાસને ચિંતા કરી છે તેમ જણાવતાં મુખ્યમંત્રીએ ખંભાત તાલુકાના ૭૦ હજાર ઉપરાંત લાભાર્થીઓને એક છત્ર હેઠળ લાવી સરકારી યોજનાઓના લાભો આપવા બદલ તેમણે તલાટીથી માંડી જિલ્લા પ્રસાશનના ઉચ્ચ અધિકારીશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યુ કે રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલ પાક નુકસાની સહાય માટે સરકારે રૂા.૩૭૯૫ કરોડનું ઐતિહાસિક કૃષિ સહાય પેકેજ જાહેર કરી સરકાર ધરતીપુત્રોની પડખે ઉભી રહી છે.