(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
સીએમએસ દ્વારા દેશના ૧૩ રાજ્યોમાં તાજેતરમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં એવો ઘટસ્ફોટ થયો છે કે દેશના ૭૫ ટકા લોકો એવું માને છે કે નરેન્દ્ર મોદી શાસન દરમિયાન માત્ર ભ્રષ્ટાચાર વધ્યો નથી પરંતુ ભ્રષ્ટાચાર સામેની લડત વિશે પીએમ ગંભીર નથી. પોતાની જાતને દેશની સંપત્તિના ‘ચોકીદાર’ ગણાવતા નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા બાદ જણાવ્યું હતું કે ‘ના ખાઇશ, ના ખાવા દઇશ.’ તાજેતરમાં કરવામાં આવેલા અભ્યાસમાં પુરવાર થયું છે કે ભ્રષ્ટાચાર ડામવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બધા વચનો ઉઘાડા પડી ગયા છે. લોકાયુક્તના ખાલી પદો ભરવામાં મોદી સરકારની અક્ષમતા અને તાજેતરમાં બેંકિંગ સેક્ટરમાં ભ્રષ્ટાચારને અભ્યાસમાં નકારાત્મક સમજ માટેના પરિબળો તરીકે ગણાવામાં આવ્યા છે.
અભ્યાસમાં એવો પણ ઘટસ્ફોટ કરાયો છે કે મોદીના કાર્યકાળમાં માત્ર ભ્રષ્ટાચાર વધ્યો નથી પરંતુ દેશના મોટા ભાગના લોકો એવું પણ માને છે કે ભ્રષ્ટાચાર સામેની લડત વિશે મોદી ગંભીર નથી. અભ્યાસમાં આવરી લેવામાં આવેલા ૧૩ રાજ્યોમાંથી ૬ રાજ્યોમાં ભાજપનું શાસન છે. ૧૧ જાહેર સેવાઓએ એવો નિષ્કર્ષ કાઢ્યો છે કે ૭૫ ટકા ભારતીયો એવું વિચારે છે કે જાહેર સેવાઓમાં ભ્રષ્ટાચારનું સ્તર વધ્યું છે કે છેલ્લા ૧૨ મહિના દરમિયાન યથાવત રહ્યું છે. અભ્યાસમાં આવરી લેવામાં આવેલા રાજ્યોમાં ગુજરાત, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, દિલ્હી, પંજાબ, રાજસ્થાન અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.
અભ્યાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સમગ્ર ભારતના ૩૮ ટકા લોકોને લાગે છે કે ભ્રષ્ટાચારનું સ્તર વધ્યું છે, અન્ય ૩૭ ટકા લોકોને એવું લાગે છે કે જાહેર સેવાઓમાં ભ્રષ્ટાચારનું સ્તર પહેલા જેટલું જ છે. ઓછામાં ઓછા ૨૭ ટકા લોકોને ઓછામાં ઓછા એક વાર ભ્રષ્ટાચારનો અનુભવ થયો છે. સીએમએસ-ઇન્ડિયા કરપ્શન સ્ટડી ૨૦૧૮માં એવો નિર્દેશ કરવામાં આવ્યો છે કે જાહેર જીવનમાં ભ્રષ્ટાચાર સામે લડત આપવાની નરેન્દ્ર મોેદીની પ્રતિબદ્ધતા વિશે શંકા કરનારા લોકોની સંખ્યામાં ૨૦૧૮માં વધારો થયો છે.
જાહેર સેવાઓમાં ભ્રષ્ટાચાર ઘટાડવાની કેન્દ્ર સરકારની કટિબદ્ધતા વિશેની સમજમાં ઘટાડો નોંધાયો છે. ૨૦૧૭માં ૪૧ ટકાથી ઘટીને ૨૦૧૮માં ૩૧ ટકા થઇ ગઇ છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા ભાજપ શાસિત રાજ્યોમાં લોકોને ભ્રષ્ટાચાર ડામવાની મોદી સરકારની વચનબદ્ધતા વિશે પણ શંકા છે.
આધારકાર્ડ અને વોટર આઇડી કાર્ડ માટે પણ લોકોએ લાંચ આપી
કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિભિન્ન ‘ડિજિટલ ઇન્ક્લુઝન’ની સફળતા વિશે શંકા કરતા અભ્યાસમાં એવો દાવો કરાયો છે કે આધારકાર્ડ મેળવવા માટે ૭ ટકા લોકોએ લાંચ આપી છે. જ્યારે વોટર આઇડી કાર્ડ મેળવવા માટે ૩ ટકા લોકોને લાંચ આપવી પડી હતી. અભ્યાસમાં જણાયું છે કે જાહેર સેવાઓની સૌથી ભ્રષ્ટ પાંખોમાં પોલીસ, હાઉસિંગ, લેન્ડ રેકોડ્‌ર્સ, આરોગ્ય અને હોસ્પિટલ સેવાઓનો સમાવેશ થાય છે.
મોદી સરકારની ભ્રષ્ટાચાર ડામવાની કટિબદ્ધતા વિશે ભાજપ શાસિત કયા રાજ્યમાં કેટલા લોકોને શંકા
રાજ્ય કેટલા લોકોને શંકા
મહારાષ્ટ્ર ૫૨ ટકા
મધ્યપ્રદેશ ૫૦ ટકા
ગુજરાત ૪૬ ટકા
બિન-ભાજપ શાસિત કયા રાજ્યમાં કેટલા લોકોને શંકા
આંધ્રપ્રદેશ ૬૭ ટકા
તમિલનાડુ ૫૨ ટકા
(જ્યારે બિહારમાં ૫૦ ટકા લોકો એવું માને છે કે ભ્રષ્ટાચાર સામેની લડતમાં મોદી સરકાર ગંભીર રીતે પ્રતિબદ્ધ)