(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૯
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સીએનજી સ્ટેશન સ્થાપવાની પ્રક્રિયાને વેગ મળે તે હેતુથી બે મહત્ત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.
તદ્‌અનુસાર, હાલ કાર્યરત પેટ્રોલ સ્ટેશનમાં અને નવા શરૂ થનારા સીએનજી સ્ટેશન માટે લેવાની થતી ફાયર વિભાગની પરવાનગી તેમજ વજન-માપન અને સ્ટેમ્પિંગ સંબંધિત મંજૂરી ઓન લાઈન અરજી કર્યાના ૭ દિવસમાં જ આપી દેવાશે.
તાજેતરમાં જ સીએનજી વાહન ધારકો-ચાલકોને સરળતાથી સીએનજી ગેસ ઉપલબ્ધ થાય અને લાંબી લાઈનોમાં ઊભા રહેવું ન પડે તેવા હેતુથી ગુજરાતમાં મોટી સંખ્યામાં નવા સીએનજી પંપ શરૂ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
સમગ્ર ગુજરાતમાં બે વર્ષમાં ૩૦૦થી વધારે નવા સીએનજી સ્ટેશન સીએનજી સહભાગી યોજના અંતર્ગત રાજ્ય સરકાર હસ્તકની ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીએ આ સીએનજી સહભાગી યોજનાના અમલથી સ્વચ્છ-પર્યાવરણની સરકારની જે સંકલ્પબદ્ધતા દર્શાવી છે તે માટે અને સીએનજી ઉપયોગને વેગ મળવા અંગે ગુજરાત સીએનજી ડિલર એસોસિએશન ગાંધીનગરમાં વિજય રૂપાણીને મળીને આભાર વ્યક્ત કર્યો હતો. એસોશિએશન દ્વારા મુખ્યમંત્રી સમક્ષ નવીન સીએનજી સ્ટેશનો શરૂ કરવા માટેની મંજૂરી પ્રક્રિયાને ઝડપી બનાવવા માટેનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સીએનજી પંપની સ્થાપના પ્રક્રિયાને ઝડપી અને પારદર્શી બનાવવા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.