મુંબઈ, તા. ૨
ટીમ ઇન્ડિયાના કોચિગ સ્ટાફ માટે ૨૦૦૦ કરતા પણ વધારે અરજી આવી ચુકી છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ દ્વારા ટીમ ઇન્ડિયાના કોચ પદ માટે જાહેરાત આપવામાં આવ્યા બાદ મોટી સંખ્યામાં દાવેદાર દ્વારા અરજી કરવામાં આવી છે. જો કે હજુ સુધી કોઇ મોટા નામ સપાટી પર આવ્યા નથી. વિતેલા વર્ષોના ભારતના સુપરસ્ટાર બેટ્‌સમેન અને કોચ રવિ શાસ્ત્રીને પડકાર ફેંકી શકે તેવા કોઇ નામ સપાટી પર આવી રહ્યા નથી. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી ટોમ મુડી દ્વારા પણ ટીમ ઇન્ડિયાના કોચ બનવા માટેની ઇચ્છા વ્યક્ત કરી છે. આ ઉપરાંત ન્યુઝીલેન્ડની આંતરરાષ્ટ્રીય ટીમના કોચ તરીકે રહી ચુકેલા અને હાલમાં ઇન્ડિયન પ્રિમિયર લીગમાં કિંગ્સ ઇલેવન પંજાબના કોચ તરીકે રહેલા માઇક હેસન દ્વારા પણ ઇચ્છા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટરોની વાત કરવામાં આવે તો રોબિન સિંહ અને લાલચંદ રાજપુત પણ કોચ બનવા માટેની ઇચ્છા વ્યક્ત કરીને અરજી કરી ચુક્યા છે. બોર્ડ દ્વારા મુખ્ય કોચ, ફ્િલ્ડિંગ કોચ, બેટિંગ કોચ અને બોલિંગ કોચ માટે અરજી મંગાવવામાં આવી છે. ફિજિયોથેરાપિસ્ટ માટે પણ અરજી કરવામાં આવી છે. કપિલ દેવના નેતૃત્વમાં ભારતીય સમિતી મુખ્ય કોચની પસંદગી કરનાર છે. ઇન્ટરવ્યુ મુખ્ય કોચ માટે ૧૪ અને ૧૫મી ઓગષ્ટના દિવસે લેવામાં આવી શકે છે.અંશુમાન ગાયકવાડ, શાંતારંગાસ્વામી આ પેનલના અન્ય સભ્યો છે. ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ માટે ઉત્સુકતા વધી રહી છે. શાસ્ત્રીની કોચિંગમાં ભારતીય ટીમની સફળતાની ટકાવારી ૭૦ ટકાની આસપાસ છે. ઓસ્ટ્રેલિયાના કોચ ટીમ મૂડીનું નામ પણ હતું. મૂડીએ ૨૦૦૭માં ભારતીય ટીમને કોચિંગ આપ્યું હતું. આગામી બે વર્ષ સુધી પોતાની અવધિને વધારામાં ફેરવવામાં રવિ શાસ્ત્રી સફળ રહી શકે છે.