(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
નામાંકિત સંશોધક વેબસાઇટ કોબ્રાપોસ્ટે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓમાં એક રાજકીય પક્ષ માટે સાનુકૂળ માહોલ બનાવવામાં મદદ કરવા માટે નાણા લઇને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્‌સ પર અનુકૂળ સંદેશ પોસ્ટ કરીને એ રાજકીય પક્ષને પ્રોત્સાહન આપવા માટે સહમત થયેલા બોલિવૂડ અને ટેલિવૂડની ૩૬ હસ્તીઓનો ઘટસ્ફોટ કર્યો છે. ફિલ્મો અને ટીવીની આ હસ્તીઓમાં દિગ્ગજ અભિનેતાઓ ઉપરાંત ગાયક, સોશિયલ મીડિયા સેલિબ્રિટીસ અને સ્ટેન્ડ-એપ કોમેડિયન પણ સામેલ છે.
અભિનેતાઓ અને અભિનેત્રીઓમાં મહિમા ચૌધરી, અમીષા પટેલ, રાખી સાવંત, એવલીન શર્મા, ટિસ્કા ચોપડા, સની લિયોન, વિવેક ઓબેરોય, જેકી શ્રોફ, શક્તિકપૂર, સોનુસૂદ, શ્રેયસ તલપડે, પુનીત ઇસ્સાર, સુરેન્દ્રપાલ, પંકજ ધીર અને તેના પુત્રી નિકિતિન ધીર, દીપશિખા નાગપાલ, અખિલેન્દ્ર મિશ્રા, રોહિત રોય, રાહુલ ભટ્ટ, સલીમ ઝૈદી, અમન વર્મા, હિતેન તેજવાની અને તેની પત્ની ગૌરી પ્રધાન, મિનીષા લાંબા અને કોેએના મિત્રાનો સમાવેશ થાય છે.
અન્ય હસ્તીઓ અને ગાયકોમાં પૂનમ પાંડે, અભિજીત ભટ્ટાચાર્ય, કૈલાશ ખૈર, મીકા સિંહ અને બાબા સહગલનો સમાવેશ થાય છે. જ્યારે હાસ્ય કલાકારોમાં રાજુ શ્રીવાસ્તવ, સુનીલ પાલ, રાજપાલ યાદવ, ઉપાસના સિંહ, કૃષ્ણ અભિષેક અને વિજય ઇશ્વરલાલ પવાર અને અન્ય પ્રસિદ્ધ કલાકારો પણ સામેલ છે. બોલિવૂડ અને ટેલિવૂડની આ હસ્તીઓએ નાણાના બદલામાં રાજકીય પક્ષને પ્રોત્સાહન આપવાનો કેમરા સામે સ્વીકાર કર્યો છે.
તે ઉપરાંત કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય અને બિગ બોસની ભૂતપૂર્વ સ્પર્ધક સંભાવના સેઠ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ કરીને ચૂંટણી અભિયાનમાં એક રાજકીય પક્ષની મદદ કરવા માટે નાણાની ઓફર કેમરા સામે સ્વીકારતા ઝડપાયા છે.
કોબ્રાપોસ્ટના પત્રકારે અસ્તિત્વમાં નથી એવી પીઆર એજન્સીના પ્રતિનિધિના સ્વરૂપમાં તેમ જ બનાવટી નામનો ઉપયોગ કરીને બોલિવૂડ અને ટેલીવૂડના આ કલાકારોનો સંપર્ક કર્યો હતો. પત્રકારે આ હસ્તીઓને એક સરળ પ્રશ્ન સાથે સંપર્ક કર્યો હતો. પત્રકારે તેમને પૂછ્યું હતું કે ‘શું તમે ટિ્‌વટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કોઇ રાજકીય પાર્ટીને વિવેકપૂર્ણ રીતે પ્રોત્સાહન આપવા માટે તૈયાર થશો ?’ મોટાભાગના કલાકારોએ યોગ્ય ફી મળે તો રાજકી પક્ષને પ્રોત્સાહન આપવાની તૈયારી બતાવી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે ફીની મોટા ભાગની રકમ રોકડમાં લેવાની અને સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો કાળા નાણા માટે પણ તેઓએ આતુરતા દર્શાવી હતી. એટલું જ સૌથી વધુ ચૌંકાવનારી વાત તો એ છે કે નાણાના બદલામાં અનિવાર્યરીતે અપરાધ કરવામાં પણ તેમને કોઇ સંકોચ નથી.

વિદ્યાબાલન, ‘ભાબીજી ઘર પર હૈં’ ફેમ સૌમ્યા ટંડન, રઝા મુરાદ અને અર્શદ વારસીએ નાણા માટે પોતાના આત્મા વેચવાનો ઇનકાર કર્યો

(એજન્સી) મુંબઇ, તા. ૧૯
સંશોધક વેબસાઇટ કોબ્રાપોસ્ટે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓમાં એક રાજકીય પક્ષ માટે સાનુકૂળ માહોલ બનાવવામાં મદદ કરવા માટે નાણા લઇને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્‌સ પર અનુકૂળ સંદેશ પોસ્ટ કરીને એ રાજકીય પક્ષને પ્રોત્સાહન આપવા માટે સહમત થયેલા બોલિવૂડ અને ટેલિવૂડની ૩૬ હસ્તીઓનો ઘટસ્ફોટ કર્યો છે. ઘણા કલાકારો નાણા લઇને રાજકીય પક્ષને પ્રોત્સાહન આપવા માટે તૈયાર થયા હતા પરંતુ બોલિવૂડ અને ટીવીના ચાર કલાકારોએ કોબ્રાપોસ્ટની ટીમ દ્વારા કરવામાં આવેલી નાણાકીય ઓફર અને પ્રસ્તાવની લાલચમાં પોતાના આત્માને વેચવાનો ઇનકાર કર્યો હતો. આ કલાકારોમાં બોલિવૂડની અભિનેત્રી વિદ્યાબાલન, અર્શદ વારસી અને રઝા મુરાદ તેમ જ ટીવી શ્રેણી ‘ભાબીજી ઘર પર હૈં’ ફેમ અભિનેત્રી સોમ્યા ટંડનનો સમાવેશ થાય છે. સોમ્યા ટંડનનો ફોન પર સંપર્ક કરવામાં આાવ્યો તો તેણે આ પ્રસ્તાવ સીધી રીતે ફગાવી દીધો હતો અને સ્પષ્ટપણ કહ્યું કે હું વ્યક્તિગત લાભ માટે કોઇ પણ રાજકીય પક્ષ સાથે જોડાણ કરવા માગતી નથી, કારણ કે આ મારા સિદ્ધાંતોની વિરૂદ્ધ છે. સોમ્યાએ એવુંં પણ કહ્યું કે તમને આવા ઘણા બધા અભિનેતાઓ મળશે જેઓ નાણા માટે કંઇ પણ કરવા માગે છે પરંતુ જો હું કોઇ પણ પાર્ટી માટે કામ કરવાનો નિર્ણય કરૂં તો હું માત્ર ત્યારે કરીશ જ્યારે હું વાસ્તવમાં તેના પર વિશ્વાસ કરીશ. રઝા મુરાદે પણ આ ગંદી રમતનો ભાગ બનવાનો ઇનકાર કરી દીધો હતો. સાથે જ તેમણે કહ્યું કે તેમનું ટિ્‌વટર એકાઉન્ટ પણ નથી. હું ટિ્‌વટર એકાઉન્ટ ખોલવા માગતો પણ નથી. જ્યારે અર્શદ વારસીએ પણ કામ કરવાનો ઇનકાર કરી દીધો. અર્શદના મેનેજરે કહ્યું કે સંદીપ જી, મેં ગઇકાલે સાહેબ (અર્શદ વારસી) સાથે વાત કરી હતી પરંતુ તેમણે કહ્યું હતું કે દુર્ભાગ્યે અમે રાજકીય અભિયાન કરી શકીશું નહીં. સાહેબે વિચાર્યું હતું કે આ કંઇક જુદું છે. અમે આ બધા ચક્કરમાં પડવા માગતા નથી. અમે રાજકીય પ્રચારથી દૂર રહીએ છીએ. અમને ઘણી ચૂંટણીઓમાં બોલાવવામાં આવ્યા હતા પરંતુ અમે ક્યારેય આ કર્યું નથી. વિદ્યાબાલને પણ લોકસભાની આગામી ચૂંટણીઓમાં કોઇ પણ પાર્ટીના રાજકીય એજન્ડાને પ્રોત્સાહન આપવા માટે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ કરવાના બદલામાં નાણા લેવાનો ઇનકાર કરી દીધો હતો.