(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૨૪
જીઆવ સ્થિત કંપનીને અપાયેલી ડિસ્પોઝલ સાઈટ સંદર્ભેની શરતોનો ભંગ થતો હોય, આ પ્લાન્ટને કાયમી ધોરણે બંધ કરવા માટે પરિવર્તન ટ્રસ્ટે આજે મોરચો કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ કંપનીને જીઆવના બ્લોક નં.૨૪૪ વાળી સરકારી જમીન પૈકી ૧,૮૦,૦૦૦ ચોરસ મીટર જમીન કલેક્ટરના હુકમો મુજબ ફાળવવામાં આવી હતી. જેની શરત નં.૧ મુજબ આ જમીન સંસ્થાને ફેક્ટરીમાંથી નીકળતો કચરો દૂર નાંખવાના હેતુ માટે ખુલ્લા ઉપયોગ માટે આપવામાં આવે છે. આ સિવાય અન્ય કોઈ હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહીં. કંપની દ્વારા આ શરતનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે. કચરો નાંખવા માટે ખુલ્લા ઉપયોગ માટે આ જમીન ફાળવવામાં આવી હતી. પરંતુ કંપની દ્વારા આ ઝેરી કચરાને જમીનની અંદર મોટું અને ઉંડુ તળાવ બનાવી દાટવામાં આવે છે. કંપની દ્વારા જ્યારે કલેક્ટર પાસે આ જમીનની માંગણી કરવામાં આવી હતી. ત્યારે તેમણે તેમની ફેક્ટરીમાંથી નીકળતો કચરો નાંખવા માટેની માંગણી કરી હતી. જેમાં ફક્ત કચરા શબ્દનો ઉપયોગ કરેલ છે. ઝેરી કચરો એવા શબ્દોનો ઉપયોગ કરેલ નથી માટે કલેક્ટરએ જમીનની ફાળવણી ફક્ત ફેક્ટરીમાંથી નીકળતા કચરાને ખુલ્લા ઉપયોગ માટે ફાળવી હતી. પરંતુ કલેક્ટર તરફથી જમીનની ફાળવણી થતા કંપનીએ ઝેરી કચરાનો નિકાલ આ જમીન પર કરવા માટે જમીનમાં મોટો ખાડો ખોદી કચરાને દાટવામાં આવે છે જે શરતભંગ છે. તેમજ કલેક્ટર દ્વારા આ જમીન (એ) જયકોલ ઈન્ટરમીડિએટ્‌સ પ્રા.લિ. (બી) કલર સીન્ચ ઈન્ડ. લિમિટેડ, (સી) પાંડેસરા ડાઈઝ એન્ડ ઈન્ટરમીડીએટ્‌સ પ્રા.લિ.ને આ ત્રણેય કંપની મળીને કુલ ૧,૮૦,૦૦૦ ચોરસ મીટર જમીન ફાળવી હતી. પરંતુ કંપનીના સંચાલકોએ આ જમીન કલરટેક્સ ઈન્ડ. લી.ના નામે તબદીલ કરેલ છે. જે કલેક્ટરની શરતોનું ઉલ્લંઘન કરી કરવામાં આવેલ છે. જમીન નવી શરતની હોવા છતાં વગર પરવાનગીએ બાંધકામ કરવામાં આવેલ છે, જે સદંતર ખોટું છે. વળી આ ઝેરી કચરો એક પ્રકારના સ્ફોટક પદાર્થ જ છે જે પણ કલેક્ટરની શરતોનો સરેઆમ ભંગ કરે છે. કલેક્ટરના હુકમમાં સ્પષ્ટ જણાવેલ છે કે, સદર જમીનમાં અવાર નવાર સમુદ્રના પાણી ફરી વળે છે જે સી.આર.ઝેડ (કોસ્ટલ રેગ્યુલેશન ઝોન)ના સને ૧૯૯૧ના કાયદાનો સરેઆમ ભંગ થાય છે અને આ કંપની પાસે ઝેરી કચરાના ઉકરડા માટે સી.આર.ઝેડ ક્લિયરન્સ નથી અને પર્યાવરણીય સંમતિપત્રક પણ નથી. કંપનીએ ખોટી રીતે સરકારને ગેરમાર્ગે દોરીને આ ઝેરી કચરાની સાઈડ ઊભી કરેલ છે.
વધુમાં હાલમાં કંપનીના સંચાલકોએ આ ઝેરી કચરો જે જમીનમાં તળાવ ખોદીને ડમ્પ કરવામાં આવેલ છે તેનો સેલ નંબર-૧ સંપૂર્ણ ઝેરી કચરાથી ભરાય જતા આ સેલ પર કેપિંગ કરવામાં આવેલ છે. આ સેલ ઉપર કુલ છોડ ઉગાડી લીલુછમ ઘાસ ઉગાડી તેની ઉપર ફ્‌લડ લાઈટો લગાડવામાં આવી છે. આ ઝેરી ઉકરડો એક પ્રકારનો જીવતો બોમ્બ છે. હવે આ જીવતા બોમ્બની ઉપર આ પ્રકારના બાગ અને લાઈટીંગ ડેકોરેશન કરી સરકારી અધિકારીઓ અને લોકોને ઉંધા પાટે ચઢાવી રહ્યાં છે. જો નીચે દાટવામાં આવેલ ઝેરી કચરાથી જો કોઈ વિસ્ફોટ થાય તો આ વિસ્તારના લોકોની શું હાલત થાય એવી કલ્પના માત્રથી લોકોને ધ્રુજાવી દે છે અને ભોપાલ જેવી મોટી દુર્ઘટના થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. છેલ્લા પાંચ વર્ષથી આ પ્લાન્ટ સામે ચાલી રહેલ અહિંસક જનઆંદોલનને તોડવાનો ઈરાદાપૂર્વકનો બાલીશ પ્રયાસ છે. આ હેઝાર્ડ વેસ્ટ પ્લાન્ટની મંજૂરી રદ કરી આ જમીન ખાલસા કરી સરકાર હસ્તક લઈ લેવા જરૂરી કાર્યવાહી કરવાની જરૂર છે.