(એજન્સી) બરેલી, તા. ૩૦
ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા બાદથી લોકભવન સહિત તમામ સરકારી ઇમારતોનો રંગ ભગવો કરવાનો ક્રમ ચાલુ છે. પરંતુ આ વખતે કોઇ મકાન કેસરકારી ઇમારતને નહીં પણ કોલેજમાં ભગવા બેગ વહેંચવાનો મામલો સામે આવ્યો છે. જે બાદ ભગવા રંગના બેગનો વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જેમાં સમાજવાદી પાર્ટીના વિદ્યાર્થીઓ પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે,બરેલીની કોલેજની સેલ્ફ ફાઇનાન્સ કોર્સના વિદ્યાર્થીઓને આ વખતે ભગવા રંગના બેગ અપાયા છે. વિદ્યાર્થીઓને વહેંચવામાં આવેલા ભગવા બેગોનો વિરોધ શરૂ થઇ ગયો છે. વિદ્યાર્થી સંઘે કહ્યું છે કે, દર વખતે વાદળી રંગના બેગ વિદ્યાર્થીઓને વહેંચવામાં આવતા હતા પરંતુ આ વખતે ભગવા રંગના બેગ આપવામાં આવ્યા છે. બીજી તરફ કોલેજના પ્રિન્સિપાલનું કહેવું છે કે, એજન્સીએ બીજા રંગના બેગ મોકલ્યા છે જે વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા છે. બરેલી કોલેજના બીબીએ, બીસીએ, એમલીબ, બીલીબ અને ડિપ્લોમા કોર્સ સહિત તમામ સેલ્ફ ફાઇનાન્સ કોર્સના વિદ્યાર્થીઓને દર વર્ષે કોલેજની તરફથી બેગ આપવામાં આવે છે. ગત વર્ષ સુધી વાદળી રંગના બેગ વિદ્યાર્થીઓને આપવામાં આવતા હતા પણ હવે તેનો રંગ ભગવો કરી દેવાયો છે. બેગનો રંગ ભગવો કરી દેતા સપા વિદ્યાર્થી સંઘે વિરોધ કરતા આચાર્યનો વિરોધ કર્યો હતો. સંગઠને વિદ્યાર્થીઓ પર ખાસ વિચારધારા થોપવાનો આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થી સંગઠને કહ્યું છે કે, બેગના રંગ અંગે તેમનો વિરોધ ચાલુ રહેશે જ્યારે કોલેજ તંત્રે કહ્યું છે કે, એજન્સીએ અન્ય રંગના બેગ મોકલી દીધા હોવાથી હવે તેમને આજ રંગના બેગ આપવામાં આવશે.