(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૭
બિનસચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે છેલ્લા ત્રણ દિવસથી આંદોલન કરી રહેલા યુવાનોમાં ફોટો પડ્યા બાદ આંદોલનકારીઓની સંખ્યા ઘટી ગઈ છે દરમ્યાન આજરોજ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા અપાયેલા કોલેજ બંધના એલાનને ઝાઝી સફળતા મળી ન હતી. જો કે મોટાભાગના વિદ્યાર્થીઓનું કહેવું હતું કે, અમે બંધના એલાનને વખોડતા નથી પરંતુ પરીક્ષા ચાલતી હોવાથી અભ્યાસના ભોગે અમે બંધમાં જોડાવવા માગતા નથી. અમે અન્યાય થયેલા યુવાનોની સાથે જ છીએ એવી લાચારી વ્યક્ત કરી હતી. તાજેતરની બિનસચિવાલય, કલાર્કની પરીક્ષા રદ કરીને કૌભાંડીઓને જેલમાં મોકલવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં મોંઘા શિક્ષણ બાદ રોજગાર મેળવવો અતિ મુશ્કેલ થઈ રહ્યો છે. સમગ્ર રાજ્યમાં બેરોજગારોની સંખ્યા લાખોમાં છે. સરકારની નીતિઓ રોજગાર આપવાને બદલે છિનવાય તે દિશામાં કામ કરી રહી છે. સરકારી નોકરી માટે ભરતી પ્રક્રિયામાં સતત ગેરરીતિ, પેપર ફૂટવા, મેરીટમાં ગોલમાલ, બબ્બે વર્ષ સુધી પ્રમાણપત્રો ચકાસણી, લાખો રૂપિયાના ભાવ લેવાય, તે ભાજપ સરકારની આગવી ઓળખ બની ગઈ છે. ગેરરીતિથી ગુજરાતના સામાન્ય મધ્યમવર્ગના મહેનત કરીને નોકરી મેળવવા ઈચ્છુક લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યાં છે. ત્યારે, સરકારી નોકરી ભરતી પ્રક્રિયાના વ્યાપક કૌભાંડોની તપાસ થાય અને ગેરરીતિઓ અટકે, પારદર્શક ભરતી પ્રક્રિયા હાથ ધરાય તે અત્યંત જરૂરી છે. દરમ્યાન ‘બિનસચિવાલય પરીક્ષા રદ કરો’, સરકારી નોકરી ભરતી કૌભાંડો બંધ કરો, કૌભાંડીઓને સજા કરોના સૂત્રોચ્ચાર સાથે એન.એસ.યુ.આઈ., યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ, પદાધિકારીઓએ સવાર થી જ ગાંધી ચિંધ્યા માર્ગે દરેક કોલેજો પર વિદ્યાર્થીઓનો સંપર્ક કરીને વિદ્યાર્થી યુવાનો માટે સમર્થન માંગ્યું હતું. જેનો વિદ્યાર્થીઓએ સહયોગ આપીને શૈક્ષણિક કાર્ય બંધ રાખીને ગુજરાતમાં સરકારી નોકરીઓમાં થતા મોટા પાયે ભ્રષ્ટાચાર, ગેરરીતિ સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. એન.એસ.યુ.આઈ. ગુજરાતના પ્રમુખ મહિપાલસિંહ ગઢવી, ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, એન.એસ.યુ.આઈ., યુથ કોંગ્રેસે અપાયેલ રાજ્યવ્યાપી કોલેજ બંધના એલાનને આપેલ પૂર્ણ સમર્થન બદલ વિદ્યાર્થીઓ, શૈક્ષણીક કર્મચારીઓ, સંચાલકોનો આભાર માન્યો છે અને ૯ ડીસેમ્બરના રોજ વિધાનસભા કૂચમાં જોડાવવા આહવાન કર્યું છે.
કોલેજ બંધના એલાનને વિદ્યાર્થીઓનું સમર્થન પણ પરીક્ષાઓ હોવાથી લાચાર

Recent Comments