ભાવનગર,તા.રપ
ભાવનગર મહિલા કોલેજ સર્કલ પાસે આવેલ એસ.એન.ડી.ટી. મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા શિક્ષણ વિભાગના પરિપત્ર અને કોલેજની માન્યતા મામલે કોલેજ ખાતે દેખાવો કરી રોડ પર ચક્કાજામ કર્યો હતો.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં મર્જ કરવામાં આવેલ એસ.એન.ડી.ટી. મહિલા કોલેજમાં અભ્યાસ કરી ડિગ્રી મેળવનાર વિદ્યાર્થિનીઓની ડિગ્રીની માન્યતા અંગે શિક્ષણ વિભાગના પરિપત્રનો વર્ષ ર૦૧રથી અમલ કરવાના નિર્ણયના વિરોધમાં મહિલા કોલેજ ખાતે એકઠી થયેલ વિદ્યાર્થિનીઓએ કોલેજ ખાતે દેખાવો કર્યો હતો અને રોડ પર ચક્કાજામ કરતાં પોલીસ કાફલો મહિલા કોલેજ દોડી ગયો હતો.
દેખાવો અને ચક્કાજામ અંગે વિદ્યાર્થિનીએ માહિતી આપી હતી.
વિદ્યાર્થિનીઓના પ્રશ્નને લઈને ગાંધી મહિલા કોલેજના સંચાલકો પણ ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવા દોડી ગયા હતા અને વિદ્યાર્થિનીઓના હિતમાં નિર્ણય આવે તેવા પ્રયાસ કરી રહ્યા છે.
આ અંગે કોલેજના સ્મિતાબેને માહિતી આપી હતી શિક્ષણ વિભાગના પરિપત્રની પાછલી અસરથી અમલ કરવાના નિર્ણયના પગલે કોલેજમાં અભ્યાસ કરનાર સેંકડો વિદ્યાર્થિનીઓની ડિગ્રી નકામી થઈ જાય તેવી સ્થિતિમાં છાત્રાઓએ આંદોલન શરૂ કર્યું છે.