અમદાવાદ, તા.૯
રાજ્યમાં શિક્ષણનું સ્તર દિનપ્રતિદિન કથળતુ જાય છે. જેમાં સુધારા કરવાં અવનવા સરકાર દ્વારા પ્રયત્નો થાય છે પરંતુ ધાર્યું પરિણામ સાંપડતુ નથી અને રાજ્યમાં રાજ્ય સરકારની ઉદાસીનતાને લીધે શિક્ષકોનો અભાવ છે. શિક્ષકો તૈયાર કરવાની કોલેજો પણ જાણે મૃતપ્રાય બની છે. એનસીટીઈએ રાજ્યમાં ૧૩ જેટલી બીએડ કોલેજો બંધ કરવાનો નિર્ણય કરતાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે યક્ષ પ્રશ્નાર્થ ઊભો થયો છે.
હાલ રાજ્યમાં બીએડનો ૧ વર્ષની જગ્યાએ ર વર્ષનો અભ્યાસક્રમ કરાતાં વિદ્યાર્થીઓ બીએડમાં એડમીશન મેળવી રહ્યા નથી તથા બીએડ કર્યા પછી TET, TAT, HTATની પણ પરીક્ષા આપવી પડે છે. અને તેમાં પાસ થયા પછી સરકાર દ્વારા ભરતી કરવામાં આવતી નથી. અને હવે તો TETની પરીક્ષા દર બે વર્ષે લેવાતી હોય તેવો માહોલ સર્જાયો છે. દર ૧ વર્ષે લેવાતી પરીક્ષાનો કોઈ નિશ્ચિત સમય રહ્યો નથી. આથી વિદ્યાર્થીઓમાં બી.એડ. કરવા પ્રત્યે નિરૂત્સાહ જોવા મળી રહ્યો છે. વળી બીએડ કોલેજોમાં સ્ટાફના અભાવને કારણે રાજ્યમાં કોલેજો બંધ થવાને આરે છે અને જે કોલેજો વધી છે તેમાં પણ લાયકાત વગરનો સ્ટાફ મોજુદ હોવાનું સામે આવ્યું છે. એનસીટીઈ દ્વારા રાજ્યની બીએડ કોલેજોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ૧૩ કોલેજોમાં વિવિધ ખામીઓ પ્રકાશમાં આવતા તેને બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
એનસીટીઈની તપાસમાં કેટલીક કોલેજોમાં સ્ટાફનો અભાવ હોવાનું સામે આવ્યું તો અનેક કોલેજોમાં સ્ટાફ તો જોવા મળ્યો પરંતુ તેઓમાં લાયકાત ન હોવાનું સામે આવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટીની વાત કરવામાં આવે તો બીએડ ફેકલ્ટી ડીનના પુત્રની કોલેજમાં પણ ખામી હોવાનું સામે આવ્યું છે. ડીન આર.એસ. પટેલના પુત્રની આકાર બીએડ કોલેજમાં પણ લાયકાત વગરનો સ્ટાફ હોવાને કારણે તેને બંધ કરી દેવાનો નિર્ણય એનસીટીઈ દ્વારા લેવામાં આવ્યો છે. આમ રાજ્યમાં ૧૩ કોલેજો બંધ કરવામાં વિદ્યાર્થીઓનાં ભવિષ્યનું શું તે એક યક્ષ પ્રશ્ન છે.