(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૦
મોબ લિંચિંગની ઘટનાનો વિરોધ કરવા માટે ગત શુક્રવારે મુસ્લિમ સમાજ દ્વારા ખ્વાજા દાના દરગાહથી એક વિશાળ મૌન રેલી કાઢવામાં આવી હતી. આ રેલીને મક્કાઇપુલ ખાતે પોલીસ દ્વારા અટકાવવામાં આવતા મામલો બિચકાયો હતો. પરિણામે લોકટોળાંએ બસોમાં તોડફોડ કરી પોલીસ પર પથ્થમારો કર્યો હતો. જેને લઇને પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવાનો દૌર શરૂ કરતા મુસ્લિમ સમાજમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા નિર્દોષ મુસ્લિમોને પકડતા હોવાની ફરીયાદને લઇ પોલીસ કમિશનર અને કલેકટરને અનેક સંસ્થાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા છે.
મુસ્લિમ સમાજની મૌન રેલીમાં હિંસા ફાટી નિકળતા પોલીસ દ્વારા ટીયર ગેસ અને ફાયરીંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસ દ્વારા રાયોટીંગ, હત્યાનો પ્રયાસ અને ડેમેજ ટુ પ્રોપર્ટીની કલમ હેઠળ ૫ાંચ હજારના ટોળાં વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ રેલીને આયોજકો બાબુ પઠાણ સહિત ૮ નેતાઓની ધરપકડ કરી તેમને લાજપોર જેલ ધકેલી દીધા હતા. ત્યારબાદ પોલીસે અન્ય આરોપીઓને પકડવા રીતસર ઝાંપાબજાર, મોમનાવાડ, ગોપીપુરા, કાદરશાની નાળ, સગરામપુરા, માન દરવાજા વગેરે વિસ્તારોમાં ધરપકડનો દૌર શરૂ કર્યો હતો. જેને લઇને અનેક નિર્દોષો પકડાયા હોવાની રાવ સાથે મુસ્લિમ સમાજમાં રોષ ફાટી નિકળ્યો હતો. નિર્દોષ મુસ્લિમોને પોલીસ પકડતી હોવાની ફરિયાદ સાથે પોલીસ કમિશનર અને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવી રહ્યાં છે. બુધવારે પણ રીંગરોડ સેન્ચુરી બિલ્ડીંગની સામે ઇન્સાફ ફાઉન્ડેશન, ભિમ શકિત શિવ શકિત માયનોરીટી સંગઠન, સ્વાભિમાની રિપબ્લિકન પાર્ટી તેમજ મુસ્લિમ સમાજની મહિલાઓ સહિતની સંસ્થાઓએ આવેદનપત્ર આપી નિર્દોષ વ્યકિતઓને ન પકડવા માટેની રજુઆત કરી છે. નિર્દોષ વ્યકિતઓને છોડી દેવા માટેની માંગ કરવામાં આવી છે.
સુરતમાં નિર્દોષોની ધરપકડ મામલે વિવિધ સંસ્થાઓ દ્વારા પોલીસ કમિ.- કલેક્ટરને આવેદન

Recent Comments