(સંવાદદાતા દ્વારા)
સુરેન્દ્રનગર,તા.૩૧
ગુજરાત વિકાસ નિગમ લિમિટેડ અંતર્ગત પીજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ અને એમજીવીસીએલ દ્વારા જુનિયર આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયામાં લાયકાત બાબતે ફેરફાર કરવામાં આવ્યા છે, હાલ નિગમ દ્વારા લાયકાતમાં સુધારો કરીને ભરતી ફરીથી બહાર પાડવામાં આવતા ઉમેદવારોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આથી આ મામલે વિદ્યાર્થી સંગઠનના હિતમાં કામ કરતી સંસ્થાના નેજા હેઠળ ઉમેદવારોએ કલેકટર કચેરીએ અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ યાંત્રિક સંવર્ગની એન્જિનિયરની લાયકાત સમાવેશ બધી જ ભરતી પ્રક્રિયામાં કરવામાં આવે શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન ૫૫ ટકા ધરાવતા ઉમેદવારો જ ઉમેદવારી નોંધાવી શકે તે નિર્ણય તાત્કાલિક દૂર કરવો, શૈક્ષણિક લાયકાતમાં ફક્ત રેગ્યુલર કોર્સ કરેલ વિદ્યાર્થી જ ફોર્મ ભરી શકે એ નિયમ બનાવ્યો છે. તે નિયમ બાબતે યોગ્ય કરવુ સહિતની બાબતોનો સમાવેશ કરીને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાની માંગ ઉઠાવી હતી.
આ અંગે રજૂઆતમાં જણાવ્યા મુજબ તાજેતરમાં ગુજરાત ઉર્જા વિકાસ લિમિટેડ અંતર્ગત આવતાં બોર્ડ, પીજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ અને એમજીવીસીએલ દ્વારા જુની. આસીસટન્ટની ભરતી પ્રક્રિયાની લાયકાતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેના કારણે ઉમેદવારોને અન્યાય થયો છે. તાજેતરમાં ચારેય વિભાગો દ્વારા લાયકાતમાં સુધારો કરી ફરીથી ભરતી બહાર પાડવામાં આવી છે. જેના કારણે ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે નવી પ્રક્રિયા મુજબ એન્જીનીયરીંગને ગ્રેજ્યુએટ તરીકે સ્વીકારવામાં આવ્યું નથી આથી આ ભેદભાવ દૂર કરી એન્જીનીયરોની લાયકાતનો સમાવેશ કરવામાં આવે, શૈક્ષણિક લાયકાતમાં હાલ ગ્રેજ્યુએટ ૫૫% ઘરાવતાં ઉમેદવારો જ ઉમેદવારો કરી શકશે તે નિયમને પણ દૂર કરવામાં આવે તેમજ માત્ર રેગ્યુલર કોર્ષ કરેલ વિદ્યાર્થીઓ જ ફોર્મ ભરી શકશે તે નિયમમાં પણ ફેરફાર કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લાભરનાં વિદ્યાર્થીઓએ અધિક કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું તેમજ નવા નિયમોને કારણે તનતોડ મહેનત કરતાં વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે તેવો પણ આક્ષેપ કર્યો હતો.