પાટણ, તા.૧૦
પાટણ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં જૂનાગઢ કારકુનની ભરતીમાં ગેરરીતિ, યુનિવર્સિટીમાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને ઉદ્દેશી સરકારને પહોંચાડવા આવેદનપત્ર આપ્યું હતું. યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની નિમણૂંક સહિતના મુદ્દાઓની તપાસ ચાલતા ભ્રષ્ટાચાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી કાર્યકરોએ ચીમકી ઉચ્ચારી હતી કે, આ મામલે ઝડપથી કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો યુથ કોંગ્રેસ દ્વારા ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં દિન-પ્રતિદિન ભ્રષ્ટાચારના કેસો બહાર આવી રહ્યા છે. તાજેતરમાં જુનિયર કારકુનની ભરતીમાં પણ મોટાપાયે ભ્રષ્ટાચાર થયેલો છે. જુનિયર કારકુનની પરીક્ષામાં ઓએમઆર સીટ ઉપર કદાપી ટીકડા લગાવવામાં આવતા નથી તે શા માટે લગાવવામાં આવ્યો તે તપાસનો વિષય છે. પરીક્ષા પછી જે તે એજન્સી ઓએમઆર સીટ સાથે લઈ જાય છે તેનાથી વિપરીત આ પરીક્ષાની ઓએમઆર સીટ શા માટે એજન્સીને સાથે લઈ જવા દીધી નહીં તે સમગ્ર બાબત ઊંડી તપાસનો વિષય છે. સરકારે તપાસ કરવા માટે જે કમિટી મૂકી છે તે ખૂબ જ આવકારદાયક છે પરંતુ તેની અંદર કોઈ ટેકનિકલ કે કાનૂની તજજ્ઞ ઉમેરવા જોઈએ કે જેથી તેની યોગ્ય તપાસ થાય અને આ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી રર/૧ર/ર૦૧૯ની લેવાનારી પરીક્ષા પણ મુલતવી રાખવી જોઈએ. ૧ લાખ ૪૦ હજાર જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્યનો પ્રશ્ન હોઈ સત્વરે કાયમી યુજીસીના નિયમો મુજબ કુલપતિની નિમણૂંક કરવામાં આવે તેવી આવેદનપત્રમાં માગણી કરવામાં આવી છે. યુથ કોંગ્રેસના પ્રમુખ ભાવિક રામી, વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ દીક્ષિત પટેલ, જતિન દેસાઈ, વિનોદજી ઠાકોર, કેયુર પંચાલ, મુકેશભાઈ મિરચંદાણી, દિવ્ય રામી તથા કાર્યકરો હાજર રહ્યા હતા.