યુવા હૈયાઓએ વડીલોથી દૂર જઈ મસ્તીભર્યા માહોલમાં આગવી રીતે ધૂળેટી મનાવી

 

ધૂળેટીના પર્વની રાજ્યભરમાં ભારે રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને યુવા હૈયાઓએ ડી.જે.ના તાલે રેઈનડાન્સની મોજ માણતાં કાદવ-કીચડની છોળો ઉડાડી એકીબજાને રગદોળીને ભીંજવી નાખ્યા હતા.

 

અમદાવાદ, તા.૧૩

રંગોના તહેવાર હોળી અને ધૂળેટીની રાજ્યભરમાં ખૂબ જ રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. એક સમયે પાકા કલરથી રમાતી હોળી હવે ધીમે ધીમે ઓછી થતી જાય છે અને સાદા કલર કે હર્બલ કલર, પાણી કે કિચડથી હોળી રમવાનો ટ્રેન્ડ વધતો જાય છે. અમદાવાદ શહેર સહિત રાજ્યના મોટા શહેરોમાં યુવા હૈયાઓએ ડી.જે.ના તાલે રેઈન ડાન્સની મોજ માણતા-માણતા હોળીની ઉજવણી કરી હતી.

આજે સવારથી જ વિવિધ વિસ્તારોમાં નાના બાળકો કલર  ભરેલી પિચકારીઓ લઈ નિકળી પડ્યા હતા અને એકબીજા મિત્રો અને મોટેરાઓ પર કલર છાંટી ધૂળેટીની ઉજવણી કરી હતી. ત્યારબાદ વિવિધ પોળ, સોસાયટી, મહોલ્લા કે ફલેટસમાં અબાલવૃદ્ધ સહુ કોઈ ધૂળેટી રમવા નીકળી પડ્યા હતા અને એકબીજા પર કલર છાંટ્યા હતા અને એકબીજા પર કલર છાંટ્યા હતા જ્યારે યુવા હૈયાઓ તેમની મસ્તીમાં ધૂળેટી ઉજવવા માગતા હોવાથી તેઓએ વડીલોથી દૂર ફાર્મહાઉસ, પાર્ટી પ્લોટ કે કલબોમાં જઈ ધૂળેટીની મસ્તીભેર રીતે ઉજવણી કરી હતી. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના મોટા શહેરોમાં હવે હોળી રમવાનો ટ્રેન્ડ બદલાયો છે. જેમાં યુવા હૈયાઓ ડી.જે.ના તાલે રેઈન ડાન્સની મજા માણતા માણતા હોળી રમે છે. જ્યારે કેટલાક યુવાઓ તો બે ડગલા આગળ વધી કાદવ- કીચડથી હોળી રમતા હોય છે તો ક્યાંક ટમાટાથી હોળી રમવાનું પણ ચલણ વધતું જાય છે. આમ જ્યાં જૂઓ ત્યાં હોળીની ઉજવણીને પગલે લોકો પણ રંગબેરંગી રંગોમાં રંગાયા હોવાથી રસ્તાઓ પણ રંગીન ભાસ્તા હતા.